ડીસાના જુના શાકમાર્કેટ નજીક આવેલા ખાડિયા વિસ્તાર પાસેના એક શોપિંગ સેન્ટરની દુકાનના ઉપરના ભાગે મોડી રાત્રે નિયમિતપણે દારૂની મહેફિલ જામતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રવૃત્તિને કારણે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ ભારે પરેશાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, રાત્રીના સુમારે કેટલાક અસામાજિક તત્વો અહીં એકઠા થાય છે અને દારૂ-બિયરની પાર્ટીઓ યોજે છે. મહેફિલ બાદ આ તત્વો દારૂ અને બિયરની ખાલી બોટલો તેમજ અન્ય કચરો ત્યાં જ ફેંકી દે છે.
રાત્રે થતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સવારે દુકાન ખોલવા આવતા વેપારીઓને ગંદકી અને દારૂની તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, આ તત્વોની દાદાગીરી અને ગંદકીથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમનો વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે.સ્થાનિક વેપારીઓએ આ મામલે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા અને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. નશાખોરીની આ પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં આવે અને વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.

