ડીસા તાલુકાના જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ આયુધો સજાવીને બેઠેલા તસ્કરો દાવ અજમાવવા લાગ્યા છે. ત્યારે જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ વાસીભાઈ પ્રજાપતિ પરિવાર સાથે લગ્ન પ્રસંગ અર્થે મકાન બંધ કરી બહાર ગયા હતા. તે દરમિયાન રાતના સમયે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
અને મકાનમાં પ્રવેશી રોકડા રૂ.50,000 અને સોનાના દાગીના મળી કુલ રૂ.1,00,000 નો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે ચોરીની જાણ થતાં મકાન માલિક દોડી આવ્યા હતા. અને મકાનમાં તપાસ કરતા ચોરીની જાણ થઈ હતી. આ બાબતે તેમણે રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. અને ગામલોકોએ પોલીસ દ્વારા ચુસ્ત રાત્રિ પેટ્રોલિંગની માંગ કરી હતી.

