ડીસા વિસ્તારમાં જમીન પચાવી પાડવાના એક ગંભીર કેસમાં ડીસા દક્ષિણ પોલીસ મથકે લેન્ડ ગેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ડીસા તાલુકાના નવા ડીસા ગામના સિટી/રેવન્યુ સર્વે નંબર 111 પૈકી 2 વાળી 9900 ચો.મી. જમીન મૂળ માલિક પાસેથી 2011 માં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ભુરાભાઈ કુંવશભાઈ રાજપુત (રહે. નોખા, દિયોદર) એ ખરીદી હતી અને તે બિન ખેતી પણ થયેલી છે. ફરિયાદી કોરોના કાળ બાદ અંગત કારણોસર સ્થળ પર જઈ શક્યા નહોતા, જેનો લાભ લઈને આરોપીઓ નારણભાઈ નાગજીભાઈ નાઈ અને તેમના ત્રણ પુત્રો (ધર્મેન્દ્રભાઈ, જીતેન્દ્રકુમાર, અને દીલીપકુમાર, તમામ રહે. કાપડીવાસ, ડીસા) એ તેમની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો.
જ્યારે ફરિયાદીને આ અંગે જાણ થતાં તેઓ સ્થળ પર ગયા અને કબજો ખાલી કરવા જણાવ્યું ત્યારે આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ફરિયાદીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, 2020 હેઠળ કલેક્ટર સમિતિ સમક્ષ અરજી કરી હતી. સમિતિએ આ અંગેની તપાસ પૂર્ણ કર્યા બાદ તા. 06/10/2025 ના રોજ બેઠકમાં નિર્ણય લીધો હતો કે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવા પાત્ર ગુનો બને છે.કલેક્ટર સમિતિના નિર્ણયના સંદર્ભે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે હવે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4 (3), 5 (બી), (સી), (ઈ) તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 54, 329, 351(1), (2), (3) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

