ઊંઝા ગંજબજાર ખાતે દૈનિક તલની 500 થી 700 બોરીની આવક જોવા મળી રહી છે. જ્યારે સારા માલના મણે રૂ 2500 થી 2700 સુધીના જોવા મળ્યા હતા. હાલ ઉત્તર ગુજરાત સહિત કાઠિયાવાડથી તલની આવકો આવી રહી છે.
ચોમાસું તલની આવકો નવરાત્રી એટલે કે ઓક્ટોબર થી જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વ સુધી રહે છે. હાલ તલની ઘરાકી લોકલ ઘાણીની છે. જે શિયાળુ વસાણાની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. જે જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ સુધી રહેશે. તલનો ઉપયોગ કચ્ચરીયુ, ચીકી, રેવડી જેવી શિયાળું વસાણા બનાવવામાં થઈ રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં તલના તેલનો પણ વપરાય વધુ રહે છે. જેમ જેમ ઠંડી જોર પકડશે તેમ તેમ વસાણાની ચીજવસ્તુઓનો વપરાય વધશે.
વર્ષમાં બે વખત તલનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળું તલનું વાવેતર માર્ચ મહિનામાં થાય છે જ્યારે તેની આવકો જુન મહિનાથી શરૂ થાય છે. જે આવક માત્ર એકજ મહિના સુધી રહે છે. જ્યારે ચોમાસું તલનું વાવેતર જુલાઈ મહિનામાં થાય છે જ્યારે તેની આવકો નવરાત્રી પછી ઓક્ટોબર મહિનામાં શરૂ થાય છે. જુન મહિનો તલની આવકો રહે છે જ્યારે જુલાઈ મહિનામાં આવકો કપાય છે.

