નીતિશ કુમાર આજે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ ગુરુવારે સવારે 11:30 વાગ્યે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ લેશે. સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા તેમની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પીએમ મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડા સહિત અનેક અગ્રણી એનડીએ નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
ભાજપના નેતા સૈયદ શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, “શપથવિધિ સમારોહને લઈને ઘણો ઉત્સાહ છે. નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બિહાર ભાગ્યશાળી છે કે તેમની પાસે સૌથી અનુભવી મુખ્યમંત્રી છે. આખો દેશ અને આખી દુનિયા જોશે. બિહારના લોકોએ અમારા પર ઘણી આશાઓ રાખી છે. તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવું એ સરકારનો પડકાર છે, અને સરકારે તેને સ્વીકારી લીધો છે.”

