લાઈનોમાં ઉભા રહેવા છતાં પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ
ખાતર વિક્રેતાઓની મનમાનીથી નાના ખેડૂતોનો મરો
બનાસકાંઠા તથા વાવ-થરાદ જીલ્લાના કાંકરેજ, ધાનેરા, દીઓદર, ડીસા, વડગામ, પાલનપુર, થરાદ, ઓગડ, ભાભર સહિતના તાલુકાઓમાં યુરીયા ખાતરની ભારે અછત સર્જાઈ રહી છે. ખેડુતો ખાતર માટે સવારથી લાઈન લગાવી રહ્યા છે. તેમ છતાં પુરતા પ્રમાણમાં ખાતર ન મળતાં ખેડુતોમાં રોષની લાગણી વ્યાપી રહી છે. અત્યારે રવિ સીઝન ચાલી રહી છે. વાવણી અને પાક વિકાસના તબક્કામાં યુરીયા ખાતર જરૂરી છે. પરંતુ તંત્ર દ્વારા ખાતરનો પૂરતો પુરવઠો ન મળવાથી ખેડુતો ખાતર માટે ભટકી રહ્યા છે. ખેડુતોનું કહેવું છે કે ખાતરથી યોગ્ય સમયે પાકનું યોગ્ય વળતર મળે છે. આથી સરકારે ગંભીરતા દાખવી પારદર્શક વિતરણ કરવું જરૂરી છે.ખાતરના લાયસન્સ ધારકો પોતાની મનમાની ચલાવી મોટા ખેડૂતોને બારોબાર પધરાવી દેતા નાના ખેડૂતોને ખાતર મળતું નથી.અને ખાતરના વિક્રેતાઓ દ્વારા ખાનગી ગોડાઉનોમાં ખાતરનો સ્ટોક કરી કાળાબજારી કરતા હોવાનું ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું.
સરકાર દ્વારા વિધાનસભામાં નેતાઓ એક બાજુ ખેડૂતોને ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાત નહિ આપવાની જાહેરાત કરતા હોય છે. જયારે બીજી બાજુ ખાતર વિક્રેતાઓ પોતાની મનમાની ચલાવી ખેડૂતોને બળજબરીથી ખાતરની થેલી સાથે નેનોની બોટલ લેવા મજબુર કરતા હોય છે. જો કે નાના ખેડૂતોને ખાતર સાથે બોટલ મેળવે તો ખર્ચમાં પરવડતું નથી પરંતુ દિયોદરમાં કેટલાક ખાતર વિક્રેતાઓ ખાતરનો ખાનગી સ્થળે સ્ટોક રાખતા હોય છે અને પોતાના માનીતા અને સગા સંબંધીઓને જ ખાતર આપતા હોય છે પરંતુ નાનો ખેડૂત બીચારો લાચાર જાય તો જાય ક્યાં… તેમને ખાતર મળતું જ નથી. તેઓ દરેક ખાતર વિક્રેતાઓની દુકાને રજળીને પરત ફરે છે અને જો આપે તો બોટલ લેવા માટે મજબૂર કરે છે.
એક તરફ ઓનલાઇનમાં સ્ટોક બતાવતા હોય છે.જયારે ખેડૂતો લેવા જાય ત્યારે દુકાનદારો નન્નો ભણે છે ત્યારે ખેડૂતો જાય ક્યાં…?
નાના ખેડૂતો ઓછી જમીન ધરાવતા હોવાથી અગાઉ રાસાયણિક ખાતરનો વધુ વપરાશ કરેલ હોઇ હાલમાં જમીન ખાતરની બંધાણી થઈ ગઈ હોય તેવું ખેડૂતોનું કહેવું છે એટલે બોટલથી રિજલ્ટ મળતું ના હોઇ ખેડૂતને યુરિયા ખાતર સિવાય પૂરતું ઉત્પાદન મળતું નથી એટલે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતને મજબુર થવું પડે છે. પરંતુ દિયોદરમાં આ ખાતર વિક્રેતાઓ પોતાની એટલી મનમાની ચલાવે છે કે નાના ખેડૂતોને તો જાણે કોઈ ગણકારતા જ નથી અને ખાતરનો ખાનગી ગોડાઉનમાં સ્ટોક હોવા છતાં પણ ખેડૂતને ઘસીને ના પાડતા હોય છે તો આ બાબતે તાલુકા ખેતીવાડી અધિકારી અને દિયોદર મામલતદાર દરેક વિક્રેતાઓ પાસે દરરોજનો સ્ટોક ચેક કરી દરેક ખાતર વિક્રેતાઓને જાહેરમાં નોટિસ બોર્ડ પર સ્ટોક પત્રક લગાવે તેવી કડક સૂચના આપે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. અને ખાતર વિક્રેતાઓના જ્યાં ખાનગી ગોડાઉન છે ત્યાં રૂબરૂ જઈ સ્ટોક ચેક કરી અને પોતાની દુકાન પર જ ખાતરનું જાહેરમાં વિતરણ કરવા સૂચનાઓ આપે તેવી માંગ ઉઠી છે.

