ઓવરબ્રિજ બનાવવાની હિલચાલથી સ્થાનિક લોકોમાં ખુશાલી છવાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાટણ હાઇવે પરની ભોપાનગર ફાટક નજીક વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવાની તૈયારી છે. સરકારે મંજૂર કરેલા અંદાજે 800 મીટર લાંબા અને રૂપિયા 87 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજે બુધવારે જમીનની સોઇલ ટેસ્ટિંગ (માટી પરીક્ષણ) ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાથી પાટણનો નેશનલ હાઇવે નં.26 પસાર થાય છે. જે પાટણ જિલ્લો અને સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર માર્ગ છે. તેથી આ હાઇવે ઉપર રાત દિવસ વાહનોનો વધુ ઘસારો રહે છે. પણ હાઇવે પરની ભોપાનગર ફાટક વારંવાર બંધ થવાના કારણે વાહન ચાલકો અને મુસાફરોને લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. ખાસ કરીને રેલવે ક્રોસિંગ તેમજ બે બે માલગાડીના આવન જાવન સમયે અહીં વાહનોની લાંબી કતારો લાગે છે, જેના કારણે સમયનો વ્યય અને ઇમરજન્સી સેવાઓ માટે પણ મુશ્કેલી ઊભી થાય છે.
આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી.ત્યારે સરકાર દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને બે વર્ષ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.હવે ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થાય તે પહેલાં, જમીનની ક્ષમતા અને માટીની રચના જાણવા માટે સોઇલ ટેસ્ટિંગ (માટી પરીક્ષણ) ની કામગીરી આજે બુધવારે શરૂ કરવામાં આવી હતી.આ ટેસ્ટ દ્વારા જમીનની બેરિંગ કેપેસિટી (ભાર વહન ક્ષમતા) નક્કી કરવામાં આવશે.ઓવરબ્રિજ બનાવવાની આ હિલચાલથી સ્થાનિક લોકોમાં ખુશી છવાઈ છે.
ઓવરબ્રિજ નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ કરાશે
ટેસ્ટિંગ અધિકારીના જણાવ્યા અનુસાર, સોઇલ ટેસ્ટિંગની આ કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ ઓવરબ્રિજના નિર્માણનું મુખ્ય કામ શરૂ કરવામાં આવશે. આ ઓવરબ્રિજ કાર્યરત થવાથી ડીસા સહિત બનાસના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મોટી રાહત મળશે અને ડીસા-પાટણ હાઇવે પર વાહન વ્યવહાર વધુ ઝડપી અને સલામત બનશે.
Beta feature



