ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા યાત્રાધામ શામળાજી પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.શામળાજીમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષો પર આધારિત નાટ્ય રજૂઆતનું આયોજન કરાયું હતું. આ નાટકમાં તેમના ‘ઉલગુલાન’ આંદોલન અને આદિવાસી અસ્મિતાના જાગરણની કથા દર્શાવવામાં આવી.
આ ઉપરાંત, આદિવાસી ગીતો, લોકનૃત્યો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા, જેણે આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત કર્યું.આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ સંબોધન કરતા જણાવ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના અમર નાયક અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમની ૧૫૦મી જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવીને આપણે તેમના વિચારોને જીવંત કરીએ છીએ.’તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિકાસ અને જમીન હક્કોનું વિતરણ જેવી સુવિધાઓ પૂરી પાડીને આદિવાસી બંધુઓનું જીવનધોરણ ઊંચું લાવવામાં આવી રહ્યું છે.
મંત્રીએ જણાવ્યું કે, આ યાત્રા દ્વારા વિકાસની વાતને ઘરઘર સુધી પહોંચાડવામાં આવશે અને યુવા પેઢીને રાષ્ટ્રનિર્માણમાં પ્રેરણા મળશે. આ યાત્રાથી આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને એકતાની ભાવના જાગી છે, જે રાષ્ટ્રીય એકતા અને વિકાસના માર્ગને મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

