પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગત ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ૨૫ વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાનની ઓળખ આકાશભાઈ પંકજભાઈ સોલંકી (ઉંમર ૨૫) તરીકે થઈ છે. તેઓ મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામહોડા ગામના વતની હતા અને પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા.ઘટના ૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે છ વાગ્યાના સુમારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક નવા બસસ્ટેન્ડ પાસે બની હતી. આકાશભાઈ તેમના મિત્રનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર નં. એનએલ-૦૭-૪૩૩૦ ના ચાલકે પાછળથી ટક્કર મારી હતી.આ ટક્કરના કારણે આકાશભાઈ ને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે, વધુ સારવાર માટે તેમને મહેસાણા રિફર કરાયા હતા, જ્યાં મહેસાણાની ભગવતી ICU માં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આકાશ સોલંકીએ અકસ્માત થયાની જાણ તેમના બનેવી પ્રવીણભાઈ કવાભાઈ તરાલને ફોન કરીને કરી હતી. પ્રવીણભાઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવે છે અને આકાશ તેમની સાથે જ ધારપુર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. પ્રવીણભાઈ મૂળ ખેડબ્રહ્માના મોટાબાવળ ગામના વતની છે.આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

