હજારો ભક્તોની ઉમટી પડેલી ભીડ વચ્ચે પરંપરાગત મેળો ભરાયો
લાભ પાંચમના પવિત્ર દિવસે પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ ખાતે આવેલ પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે ભાતીગળ મેળો ભરાયો હતો. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરે પહોંચી ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ, સામઢી નાઢાણીવાસ અને સામઢી રાણાજીવાસ ગામના ગ્રામજનો પોતાના નિજ દેવસ્થાન કામેશ્વર મહાદેવ મંદિરે પહોંચી સુખડીનું નૈવેધ ચડાવી પૂજા અર્ચના કરી હતી.મંદિર પ્રાંગણમાં માનવ કીડિયારું ઉમટી પડ્યું હતું ખાણીપીણીના સ્ટોલ, રમકડાં, ચકડોળ તેમજ ખાસ આકર્ષણરૂપ અશ્વ દોડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક અશ્વ સવારોએ પોતાના ઘોડાઓ દોડાવી અદ્ભુત કરતબો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ હાજરી આપી હતી અને ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેળા દરમ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે ચા અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

