બે ફરાર પત્રકારને ઝડપવા પોલીસની સઘન શોધખોળ
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ફટાકડા એસોસિએશન કર્મી મુકેશ ઠક્કરના રહસ્યમય મોત મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં ડીસાના છ પત્રકારો પર કથિત ગંભીર આરોપો લાગ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે એક પત્રકાર સાથેની માથાકૂટ દરમિયાન તે પત્રકારે મુકેશ ઠક્કરને છાતીમાં મુક્કા માર્યા હતા.જેની પોલીસ ફરિયાદની માહિતી મુજબ, પત્રકાર દ્વારા ગેરકાયદેસર રીતે મુકેશ ઠક્કર પાસે નાણાની માંગણી કરવામાં આવી હતી, જેને પગલે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ બાદ મુકેશની તબિયત અચાનક લથડી હતી અને તે દુકાન પર જ ઢળી પડ્યા હતા. સારવાર માટે ખસેડાયા બાદ તેમનું અવસાન થયું હતું.
આ નિરાશાજનક ઘટના બાદ ડીસાના વેપારીઓ અને ઠક્કર સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેના પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસે આ સમગ્ર મામલે ગંભીરતા દાખવીને ૬ પત્રકાર સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ૪ પત્રકારની અટકાયત કરી લીધી હતી, જ્યારે અન્ય બે હજુ ફરાર છે. પોલીસે તેમને પણ ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે.
મેજીસ્ટ્રેટે રિમાન્ડ નામંજૂર કર્યા, જ્યુડીશીયલ કસ્ટડીનો આદેશ
પોલીસે આજે સવારે અટકાયત કરાયેલા ચારેય પત્રકારને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને તેમના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, મેજીસ્ટ્રેટ દ્વારા તેમના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે અને આ ચારેયને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી હવે આગામી ૨૭ ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.

