MPમાં લવ-જેહાદ : આરોપીને 10 વર્ષની જેલની સજા થશે, મદદ કરનારાઓને પણ સજા થશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશની શિવરાજ સરકારે લવ-જેહાદવિરોધી કાયદાને મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશમાં લવ-જેહાદવિરોધી બિલ ‘ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020’ને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની કેબિનેટે લવ-જેહાદ સામેના બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. હવે એ 28 ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં આ કાયદાને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલાં રાજ્યગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ કહી ચૂક્યા છે કે કાયદો કડક બનાવવો જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાયદો ઝડપી બનાવ્યો છે, શિવરાજ સરકાર પણ આ જ રસ્તે આગળ વધી રહી છે.

લાલચ આપીને, ધમકી આપીને ધર્મપરિવર્તન કરવું અને લગ્ન કરવા બદલ 10 વર્ષની સજાની જોગવાઈ. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.

ધર્મપરિવર્તન કર્યા બાદ થનારા લગ્નના 2 મહિના પહેલાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ધર્મપરિવર્તન અને લગ્ન કરવા અને લગ્ન કરાવનારા બંને પક્ષોને લેખિતમાં અરજી કરવાની રહેશે.

અરજી કર્યા વિના ધર્મપરિવર્તન કરાવનારા ધર્મગુરુ, કાઝી, મૌલવી અથવા પાદરીઓને પણ 5 વર્ષ સુધીની કેદની પણ જોગવાઈ છે.

ધર્મપરિવર્તન અને બળજબરીપૂર્વક લગ્નની ફરિયાદ પીડિત, માતાપિતા, પરિવારજન દ્વારા કરી શકાય છે.
જે લોકો મદદ કરે છે તેમને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે.

બળજબરીથી ધર્મપરિવર્તન અથવા લગ્ન કરાવનારી સંસ્થાઓની નોંધણી રદ કરવામાં આવશે.
આ પ્રકારના ધર્મપરિવર્તન અને લગ્ન કરાવનારી સંસ્થાઓને દાન આપનારી સંસ્થાઓ કે દાન લેનારી સંસ્થાઓની નોંધણી પણ રદ કરવામાં આવશે.

આ પ્રકારના ધર્મપરિવર્તન અને લગ્ન માટે મદદ કરનારા તમામ આરોપીઓ સામે મુખ્ય આરોપીની જેમ કાર્યવાહી કરવામાં આવશે.

પોતાના ધર્મમાં પાછા ફરવા પર તેને ધર્મપરિવર્તન માનવામાં આવશે નહીં.

પીડિત મહિલા અને જન્મેલા બાળકને ભરણપોષણનો અધિકાર મેળવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.
આરોપીએ જ નિર્દોષતાના પુરાવા રજૂ કરવાના રહેશે.

ઉત્તરપ્રદેશમાં ખોટી રીતે ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો કાયદો અમલમાં આવ્યો છે. એને 28 નવેમ્બરના રોજ રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે એનું બિલ 24 નવેમ્બરના રોજ પાસ કર્યું હતું. યોગી આદિત્યનાથે વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કહ્યું હતું કે મહિલાઓને સુરક્ષા આપવાના હેતુથી રાજ્યમાં લવ-જેહાદ સામે કાયદો લાવવામાં આવશે. હરિયાણા, કર્ણાટક અને ભાજપશાસિત કેટલાંક અન્ય રાજ્યોમાં પણ આવા કાયદા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ દેશનું પહેલું રાજ્ય હતું, જ્યાં આ કાયદો પસાર કરવામાં આવ્યો. યુપીમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાની જોગવાઈ છે અને આ કાયદા હેઠળ વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.