થરાદના વડગામડામાં યોજાયેલ ડાયરામાં સોશ્યલ ડિસ્ટનસના ધજાગરા, એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ, આયોજક સહિત ૧૨ વિરુદ્ધ ગુનો દાખલ.

ગુજરાત
ગુજરાત

એક તરફ, રાજ્યમાં કોરોના ધીમે-ધીમે કાબૂમાં આવી રહ્યો છે અને સરકાર તરફથી લોકોને સતત કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવા કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ, બેદરકાર લોકો દ્વારા હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવો જ એક લોકડાયરો થરાદના વડગામડા ગામમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલીસે આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગાયક કલાકાર, મંડપવાળા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધી છે, તેમજ 1 PSI અને 2 કોસ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

થરાદના વડગામડામાં હિંગળાજ ધામ ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાનું આયોજન ધનજી પટેલ નામના શખસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વનિતા પટેલ, સુરેશ કાપડી, ઇશ્વરદાન ગઢવી સહિતના 10 કલાકારો હાજર રહ્યાં હતાં, જેમને સાંભળવા માટે વડગામડાનાં ગ્રામજનો ઉપરાંત આસપાસના લોકો એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં સોશિયલ ડિસ્ટન્સ જેવું કંઇ જ જળવાયું ન હતું અને કલાકારો પણ જાણે કે કોરોના છે જ નહીં એ રીતે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા.

કોરોના એક જીવલેણ બીમારી છે અને એને કાબૂમાં લેવા માટે સરકાર અને તંત્ર તરફથી સતત સાવચેતી જાળવવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક બેદરકાર પોતાની સાથે અન્યને પણ જોખમમાં મૂકી રહ્યા છે. વડગામડામાં યોજાયેલા લોકડાયરા દરમિયાન હાજર જનમેદની, સંચાલકો અને કલાકારોમાં કોઇને પણ કોરોનાનો ખોફ ન હોય એવું વિડિયો જોઈને લાગી રહ્યું છે. કેટલાક લોકો તો સ્ટેજ પર ચડીને કલાકારો પર પૈસાનો વરસાદ કરતા પણ જોવા મળ્યા છે. લોકડાયરાનો આ વિડિયો બહાર આવ્યા બાદ પોલીસે ગંભીર બેદરકારી દાખવનારા સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ જે લોકો માસ્ક વગર જોવા મળ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.