વાહનચાલકો અને રાહદારીઓમાં આનંદની લાગણી
ડીસા શહેરના લાંબા સમયથી પ્રતીક્ષિત એલિવેટેડ બ્રિજ નીચેના રોડ રિસરફેસિંગની કામગીરી આખરે શરૂ થઈ ગઈ છે, જેના કારણે ડીસાવાસીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. ડીસાના એલિવેટેડ બ્રિજ નીચેનો રોડ ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ બંને નેતાઓની સતત અને અસરકારક રજૂઆતોના ફળ સ્વરૂપે, ડીસાના એલિવેટેડ બ્રિજ નીચેના રોડને રિસરફેસ કરવાની મંજૂરી મળી ગઈ હતી. આ મંજૂરી મળતાની સાથે જ સ્થાનિક નેતાઓ અને પ્રજાજનોએ આ બંને નેતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. મંજૂરી મળ્યા બાદ તાજેતરમાં આ રોડ રિસરફેસિંગની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ગુણવત્તાયુક્ત રીતે રોડના નવીનીકરણનું કામ શરૂ થતાં, ડીસા શહેરના ટ્રાફિક અને વાહનવ્યવહારને લગતી એક મોટી સમસ્યાનો અંત આવશે.લાંબા સમયથી ધૂળ, ખાડા અને ખરાબ સપાટીના કારણે ત્રસ્ત થયેલા ડીસાવાસીઓ માટે આ એક મોટી રાહતની વાત છે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરીજનોને સરળ, સુગમ અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ થશે, જે ડીસાના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમગ્ર શહેરમાં આ કામગીરી શરૂ થવા બદલ સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.

