ડીસાના હાઇવે પર ખાડો જીવલેણ બન્યો; રાહદારીને 5 લાખનો ખર્ચ અને શારીરિક પીડા

ડીસાના હાઇવે પર ખાડો જીવલેણ બન્યો; રાહદારીને 5 લાખનો ખર્ચ અને શારીરિક પીડા

​ડીસાના મુખ્ય હાઈવે પરનો એક ખાડો નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. આ ખાડો એક રાહદારી માટે 5 લાખના ખર્ચ સાથે ગંભીર શારીરિક પીડાનું કારણ બન્યો છે. પાંચ દિવસ પહેલા, ડીસામાં વાહનોના લે-વેચનો વ્યવસાય કરતા વસંતભાઈ પટેલ પોતાની ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા. સાંજે આઠ વાગ્યાની આસપાસ તેઓ ગીર કાઠિયાવાડી હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતા વાહનોની તેજ લાઈટને કારણે રસ્તા પરનો મોટો ખાડો તેમને દેખાયો નહીં. તેમનું એક્ટિવા સીધું ખાડામાં પડ્યું, જેના કારણે તેઓ સ્લીપ થઈને રોડ પર દૂર સુધી ઘસડાયા. આ અકસ્માતમાં વસંતભાઈનો ડાબો પગ એક્ટિવા નીચે આવી ગયો અને તે સંપૂર્ણપણે ભાંગી ગયો. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડીસામાં પ્રાથમિક ઓપરેશન કરાવ્યા બાદ વધુ સારવાર માટે તેમને મહેસાણા લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના પગની વધુ બે સર્જરી કરવામાં આવી.

આ ગંભીર ઈજાને કારણે વસંતભાઈને અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. ડોક્ટરોએ તેમને આગામી ત્રણ મહિના સુધી સંપૂર્ણ બેડરેસ્ટ લેવાની સલાહ આપી છે. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાનો વ્યવસાય પણ કરી શકશે નહીં, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. આમ, તબીબી ખર્ચ અને કામકાજના નુકસાનને ગણતરીમાં લઈએ તો આ એક નાનકડો ખાડો તેમને લગભગ દસ લાખ રૂપિયામાં પડ્યો છે.સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે કે આવા જીવલેણ ખાડાઓનું સમારકામ કેમ સમયસર કરવામાં આવતું નથી? શું કોઈ ગંભીર અકસ્માત થાય પછી જ તંત્ર જાગશે? સત્તાધીશો દ્વારા આ ઘટનાની નોંધ લઈ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *