પાલનપુરના બીજા એડિશનલ સેશન્સ જજે 14 વર્ષ જૂના કેસમાં ચુકાદો સંભળાવ્યો
અમીરગઢ તાલુકાના એક ગામના 14 વર્ષ અગાઉ જંગલમાં બકરા ચરાવવા ગયેલી સગીર વયની કિશોરીને નીચે પાડી દઈને એક યુવકે તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને 20 વર્ષ સખ્ત કેદ અને 10 હજારના દંડની સજા ફટકારી છે.
અમીરગઢ પંથકના એક ગામના ખેતી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની 12 વર્ષીય કિશોરી ગત તાં.27/09/2011 ના રોજ તેમના મકાન પાસે આવેલ ઝાડીમાં બકરા ચરાવવા ગઇ હતી. દરમિયાન વેરા ગામનો સોમા ઉર્ફે શામળા બાબુભાઈ ધોરણા નામનો શખ્સ આવી ચડયો હતો અને સગીરાના નીચે પાડી દઈ તેમજ તેનું મોઢું દબાવીને તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. જે અંગે આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જે કેસ પાલનપુરના બીજા એડિશનલ સેશન્સ જજ અમિત જે. કાનાણીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિનેશકુમાર એચ. છાપીયાની ધારદાર દલીલો અને આધાર પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 20 વર્ષ સખ્ત કેસ અને 10 હજારના દંડની સજા ફટકારી હતી અને આરોપી દંડની રકમ ભરવામાં ચૂક કરે તો વધુ એક વર્ષ સાદી કેદ ની સજા ફરમાવી છે..

