સરહદી વિસ્તારોમાં આ વખતે સરેરાશ કરતા વધુ વરસાદ; હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખણી,વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં અવિરત વરસાદે વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિસ્તારોમાં ખેતરો ફરી એક વાર સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયા છે. ખેડૂતો માટે પોતાના ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. કારણ કે, મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબીને ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિએ સ્થાનિક રહેવાસીઓની પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
જિલ્લાના સરહદી વિસ્તારમાં આ વખતે સરેરાશ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં અત્યાર સુધી લાખણીમાં 634 મી.મી., વાવમાં 743 મી.મી., થરાદમાં 747 મી.મી. અને સુઇગામમાં 740 મી.મી.વરસાદ નોંધાયો છે. સતત ભારે વરસાદને લઈ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે પરંતુ સતત વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે.તેથી ખેડૂતો સાથે આમ પ્રજાની હાલાકીઓ વધી પડી છે. જેના કારણે ચોમેર મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ થવા લાગી છે.જો કે ખેડૂતોને ભૂગર્ભ જળ ઊંચકાવાની હૈયે થોડી ધરપત છે.

