વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લ્હાવો મેળવતા હોય છે. વરસાદી માહોલ વચ્ચે આજે ચૌદશના દિવસે દૂરથી દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડીયાર મંદિર, ધારેશ્વર સોસાયટી, રાજકોટથી નીકળેલો સંઘ ચૌદશના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે.
રાજકોટથી શ્રી અંબા ખોડિયાર મંદિરથી નીકળેલો આ સંઘ છેલ્લા 24 વર્ષથી સતત દર વર્ષે અંબાજી પધારતો રહ્યો છે. લગભગ 400 કિલોમીટરથી વધુનું અંતર 12 દિવસની પદયાત્રા કરીને સંઘ અંબાજી પહોંચ્યો હતો. સંઘના પદયાત્રીઓએ મા અંબાના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા કર્યા તેમજ તલવારબાજી રજૂ કરી હતી.
સંઘના આયોજક હરીશભાઈ પરમારે જણાવ્યું કે, પહેલા આ યાત્રા સામાન્ય રીતે ડ્રેસ કોડ વિના થતી હતી, પરંતુ ગુરુજીના આશીર્વાદ અને મા અંબાના આશીર્વાદ બાદ હવે દર વર્ષે પદયાત્રીઓ 12 દિવસ સુધી રોજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીના દર્શનાર્થે આવે છે. આ અનોખી પરંપરા સાથે પદયાત્રા કરતાં ભક્તોને કોઈ થાક અનુભવાતો નથી અને માં અંબાના દર્શન સમયે નવી ઊર્જાનો અનુભવ થાય છે. મા અંબાના આશીર્વાદથી રાજકોટનો આ સંઘ દર વર્ષે વિશિષ્ટ ઉત્સાહ સાથે પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે અને ભાદરવી પૂનમ મહોત્સવને શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવે છે.


