જીએસટી ઘટાડાથી ફુગાવામાં ૬૦-૮૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો થશે અને આરબીઆઇ પાસે વ્યાજ દર ઘટાડવાની તક હશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી ) ના દરમાં ઘટાડાથી ભાવ દબાણ ઘટવાની અપેક્ષા છે, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ દ્વારા નીતિ દરમાં ઘટાડા માટે અવકાશ બનાવી શકે છે. અર્થશાષીઓએ આ શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો કર ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવામાં આવે, તો ૧૨ મહિના દરમિયાન એકંદર છૂટક ફુગાવો ૬૦ થી ૮૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.
ઓગસ્ટમાં નાણાકીય નીતિ સમીક્ષા દરમિયાન, કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન સરેરાશ ફુગાવો ૪.૪ ટકા રહેવાની ધારણા છે જ્યારે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે ૪.૯ ટકા રહેવાની ધારણા છે. જાન્યુઆરીથી ફુગાવો વધવાની ધારણા છે, તેથી દર ઘટાડાનો અવકાશ મર્યાદિત માનવામાં આવ્યો હતો.સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ઈન્ડિયા હેડ ઓફ ઈકોનોમિક્સ રિસર્ચ અનુભવ સહાયે જણાવ્યું હતું કે, જીએસટી કાપથી ગ્રાહક બિન-ટકાઉ વસ્તુઓને વધુ ફાયદો થશે અને છૂટક ફુગાવામાં તેનું વજન વધારે છે, તેથી વર્ષ દરમિયાન એકંદર ફુગાવો ૬૦ થી ૬૫ બેસિસ પોઈન્ટ ઘટી શકે છે. આરબીઆઇએ ૨૦૨૫-૨૬ માટે છૂટક ફુગાવો ૩.૧ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે.
કેન્દ્રીય બેંકની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિએ ફેબ્રુઆરીથી રેપો રેટમાં ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. યુએસ દ્વારા લાદવામાં આવેલી ૫૦ ટકા ડ્યુટી પછી કેન્દ્રીય બેંક વૃદ્ધિ દરનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તેના પર પણ દર ઘટાડો નિર્ભર રહેશે. RBI એ FY26 માટે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.IDFC ફર્સ્ટ બેંકના મુખ્ય અર્થશાષી ગૌરા સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, ફુગાવાના લ્લષ્ટિકોણથી ઘટાડાનો અવકાશ છે. RBI એ નક્કી કરવાની જરૂર છે કે તેઓ વૃદ્ધિને કેવી રીતે જુએ છે.ૅ તેમનો અંદાજ છે કે GST ઘટાડાથી ફુગાવામાં ૬૦ થી ૮૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. તેમણે FY26 માટે ૨.૭ ટકા રિટેલ ફુગાવાના તેમના અગાઉના અંદાજને સુધારીને ૨.૪ ટકા કર્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ દર ૭.૮ ટકા હતો, જે RBI ના ૬.૫ ટકાના અંદાજ કરતા ઘણો વધારે હતો. સેનગુપ્તાએ જણાવ્યું હતું કે GST ઘટાડાથી આગામી ૧૨ મહિનામાં GDP વૃદ્ધિ દરમાં લગભગ ૦.૬ ટકાનો વધારો થઈ શકે છે.નાણાકીય નીતિ બેઠકની વિગતોમાં, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે તટસ્થ વલણ જાળવવાથી નાણાકીય નીતિને વધતી જતી સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓનો જવાબ આપવા માટે જરૂરી સુગમતા મળશે. નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠક ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે.

