શારજાહમાં પાકિસ્તાન અને યજમાન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચે મેચ રમાઈ હતી. T20I ત્રિકોણીય શ્રેણીની આ 5મી મેચમાં, પાકિસ્તાને યુએઈને 31 રનથી હરાવીને T20I ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન તરફથી ફખર ઝમાને શાનદાર અડધી સદી ફટકારી હતી જ્યારે લેગ-સ્પિનર અબરાર અહેમદે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 9 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈની ટીમ ફક્ત ૧૪૦ રન જ બનાવી શકી હતી. યુએઈ તરફથી ઓપનર અલીશાન શરાફુએ ૫૧ બોલમાં સૌથી વધુ ૬૮ રન બનાવ્યા હતા. યુએઈ ભલે આ મેચ જીતી ન શક્યું હોય, પરંતુ ટીમના એક બોલરે નવો ઇતિહાસ રચ્યો હતો.
યુએઈનો ફાસ્ટ બોલર જુનૈદ સિદ્દીકી પાકિસ્તાન સામે સૌથી મોંઘો બોલર સાબિત થયો. તેણે 4 ઓવરમાં 52 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લીધી. આ રીતે જુનૈદ સિદ્દીકીએ ટી20આઈ ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી. સિદ્દીકી ટી20આઈમાં 100 વિકેટ લેનાર યુએઈનો પ્રથમ બોલર બન્યો છે. તેની પહેલા યુએઈનો કોઈ પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો.

