પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા મહત્વની જાહેરાત
(જી.એન.એસ) તા. ૦૩
અમદાવાદ,
આવનારા દિવસોમાં તહેવારો નિમિત્તે મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વટવા અને રકસૌલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક ટ્રેનની મુદત લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદના વટવા-રકસૌલ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે વટવાથી રાત્રે 11:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે 4 વાગ્યે રકસૌલ પહોંચશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દોડશે. તેવી જ રીતે રકસૌલ-વટવા સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે રકસૌલથી સવારે 11:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 8 વાગ્યે વટવા પહોંચશે. આ ટ્રેન 16 સપ્ટેમ્બરથી 30 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેનો આણંદ, છાયાપૂરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સતના, મુજફ્ફરપુર સહિતના સ્ટેશનો ઉપર બંને દિશામાં રોકાશે. જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત 5 ઓક્ટોબરના બદલે હવે 28 ડિસેમ્બર સુધી લંબાવી છે. તેવી જ રીતે રકસૌલ-ઉધના સ્પેશિયલ ટ્રેનની મુદત 4 ઓક્ટોબરના બદલે 3 ડિસેમ્બર સુધી લંબાવી છે. આ ટ્રેનોનું બુકિંગ આજથી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઇઆરસીટીસી પર થઈ શકશે.

