રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યૂરી ઉશાકોવે તેની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, સોમવારે ચીનમાં થનારી શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને પુતિનની મુલાકાત થશે, જ્યાં ડિસેમ્બરમાં તેમની યાત્રાની તૈયારીને લઈ ચર્ચા થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પહેલા જ સંકેત આપી દીધા હતા કે પુતિન ટૂંક સમયમાં ભારત આવશે. જોકે તારીખ અને સમય નક્કી નહોતો થયો. ડોભાલે કહ્યું હતું કે, ભારત-રશિયા વચ્ચે ખાસ અને લાંબા સમયથી ચાલી રહેલા સંબંધ છે, જેની બંને દેશ કદર કરે છે.
આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે અમેરિકાએ ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ લગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલું રશિયાથી ભારતની ઓઇલ ખરીદી પર ઉઠાવ્યું છે. તેમનો આરોપ છે કે ભારત ડિસ્કાઉન્ટ પર રશિયન તેલ ખરીદી તેનો એક હિસ્સો ખુલ્લા બજારમાં ઊંચા ભાવ પર વેચીને નફો કમાઈ રહ્યા છે. ટ્રમ્પે લખ્યું હતું કે ભારતને ફરક નથી પડતો કે યુક્રેનમાં રશિયાની મશીનરીથી કેટલા લોકો મરી રહ્યા છે.

