ભારત સરકારે કેનેડામાં પોતાના રાજદૂત તરીકે વરિષ્ઠ વિદેશ સેવા અધિકારી દિનેશ કે. પટનાયકની નિમણૂક કરી છે, એમ વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે વધતા રાજદ્વારી તણાવ વચ્ચે ભારતે કેનેડાથી હાઇ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય વરિષ્ઠ રાજદ્વારીઓને પાછા બોલાવ્યાના લગભગ નવ મહિના પછી આ નિમણૂક કરવામાં આવી છે. દિનેશ ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દિનેશ કે. પટનાયક ભારતીય વિદેશ સેવા (IFS) ના 1990 બેચના અધિકારી છે. તેઓ હાલમાં સ્પેનમાં ભારતના રાજદૂત છે. પટનાયક એક અનુભવી રાજદ્વારી છે જેમને વિશ્વભરમાં મુખ્ય રાજદ્વારી કાર્યોમાં 25 વર્ષથી વધુનો અનુભવ છે. પટનાયક ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારવા માટે જવાબદાર રહેશે.
માહિતી અનુસાર, ભારત અને કેનેડાએ ગુરુવારે એકબીજાની રાજધાનીઓમાં તેમના રાજદ્વારીઓની નિમણૂકની જાહેરાત કરી. ભારતે ઓટાવામાં વરિષ્ઠ રાજદ્વારી દિનેશ કે પટનાયકને તેના આગામી હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા, જ્યારે કેનેડાએ ક્રિસ્ટોફર કુટરને નવી દિલ્હીમાં તેના નવા હાઇ કમિશનર તરીકે જાહેર કર્યા.

