પોલીસે મૃતકના પરિવારને સમજાવી મામલો માંડ થાળે પાડયો…!
પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવેલી એક મહિલાનું ઓપરેશન કર્યા બાદ તેની તબિયત લથડી પડતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન તેનું મોત નિપજતાં પરિવારજનો હોબાળો મચાવી તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરતા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે દોડી આવી સમજાવટના અંતે મામલો થાળે પાડયો હતો.
પાલનપુરના એરોમા સર્કલ પર અમદાવાદ હાઇવે તરફ આવેલ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોકટરની ફિમેલ હોસ્પિટલમાં પાલનપુર તાલુકાના માલપુરીયા ગામની પરણિતા અને ઓખાપુરા ગામની ગોમતીબેન સવાજી ઠાકોર નામની યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને દાખલ કરવામાં આવી હતી. જ્યા તબીબ દ્વારા સર્જરી કરીને નવજાતનો જન્મ કરાવ્યો હતો. બાદમાં આ મહિલાની તબિયત લથડતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી. જ્યા સોમવારે અચાનક આ મહિલાનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવી તબીબ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. જેને લઇ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડયો હતો.

