વ્યાજખોરોને કોના આશિર્વાદ? નવીન પીઆઇ વ્યાજખોરોના અભેદ કિલ્લાને તોડી શકશે ખરા…?
દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ એક યુવકે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા બેફામ બનેલ વ્યાજખોર ગામના ઈસમ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. દિયોદરની પૂર્ણિમા સોસાયટીમાં રહેતા બિલાલ મેમણ નામના યુવકને ચાર વર્ષ અગાઉ પૈસાની જરૂર હોઈ એજ સોસાયટીમાં રહેતા વ્યાજખોર આરીફ મેમણ પાસેથી દસ ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદીએ દસ ટકા પ્રમાણે બે વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું હતું. જેમાં મૂડીના રૂપિયા માટે આરોપી પાસે ફરિયાદીએ વિશી ચાલુ કરાવી હતી. જેમાં આરોપીએ બે લાખ રૂપિયા પણ મજેરે લીધા હતા અને અન્ય પાંચ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. જેમાં ફરિયાદી પાસે વારંવાર પૈસાની માગણી કરી ધાક ધમકી આપતા ફરિયાદી બિલાલ મેમણે આરોપીના ત્રાસથી કંટાળી જઈ ઉંદર મારવાની દવા પીધી હતી .જેમાં બેભાન થયેલ યુવકને સારવાર માટે પાટણ ખસેડવામાં આવેલ. જે અંગે ફરિયાદીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી આરીફ મેમણ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

