મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરોજ સાંજે 6 વાગ્યાથી આજરોજ સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 83% વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે મહેસાણા 33 મીમી, ઊંઝા 43 મીમી, વિસનગર 37 મીમી, વડનગર 30 મીમી, વિજાપુર 43 મીમી, બહુચરાજી 20 મીમી, કડી 03 મીમી, જોટાણા 04 મીમી, તેમજ ખેરાલુમાં 35 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણા જિલ્લાના સતલાસણામાં 112 મીમી એટલે કે સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારેકોર વરસાદી પાણીનો ભરાવો થઈ જવા પામ્યો છે. રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. જ્યાં દિવસભર વાદળછાયા વાતાવરણના કારણે દિવસના તાપમાનમાં પોણા 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયેલો જોવા મળી રહ્યો છે. જિલ્લાના મુખ્ય 6 શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ રહ્યો છે. જેને કારણે ભારે ઉકળાટ વચ્ચે ગરમીથી આંશિક રાહત મળી હતી. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે તેવામાં જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સતત પડી રહ્યા છે.

