જમ્મુ અને કાશ્મીરના જમ્મુ જિલ્લાના આરએસપુરાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ એક કબૂતર પકડ્યું છે , જેના પંજા પર ધમકીભર્યો પત્ર બાંધેલો હતો. આ પત્રમાં આઈઈડી બ્લાસ્ટ દ્વારા જમ્મુ રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કબૂતર પકડાયા બાદ, પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દીધી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કબૂતર, જે કદાચ પાકિસ્તાનથી આવ્યું હતું, 18 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યે કટમારિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પકડાયું હતું.
કબૂતરના પંજા સાથે બાંધેલા પત્રમાં ઉર્દૂ અને અંગ્રેજીમાં ધમકીભર્યો સંદેશ લખેલો હતો, જેમાં ‘કાશ્મીર સ્વતંત્રતા’ અને ‘સમય આવી ગયો છે’ જેવા શબ્દો લખેલા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ભારતીય સરહદમાં ફુગ્ગાઓ, ધ્વજ અને કબૂતરો દ્વારા અલગ અલગ રીતે સંદેશા મોકલી રહ્યું છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે આટલો ગંભીર ધમકીભર્યો સંદેશ કબૂતર સાથે પકડાયો છે. વર્તમાન ખતરા અને ભારત વિરોધી કાવતરાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે.

