જિલ્લાના પાલનપુર-આબુરોડ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો દ્વારા ટોલ ફ્રીની માગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા અને બે કિલોમીટર લાંબી રેલી યોજી હતી. ત્યારબાદ ખેડૂતો ટોલ પ્લાઝા પર સભા યોજી અને કહ્યું કે, આજે તો ખેડૂતોનો શાંત દેખાવ છે, પરંતુ જો માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે. જ્યારે ટોલ પ્લાઝાના મેનેજરનું નિવેદન છે કે, ખેડૂતોની માગણીઓ નેશનલ હાઈવે ઓથોરિટીને પહોંચાડી છે અને એ નિર્ણય લેશે એ પ્રમાણે માન્ય રહેશે.
પાલનપુર-આબુરોડ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા નજીક આજે ખેડૂતોનો માહોલ જુદો જ જોવા મળ્યો. ટોલ ફ્રી કરવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની બે કિલોમીટર સુધી રેલી યોજાઈ હતી. ખેડૂતોની મુખ્ય માગ છે કે, ટોલ પ્લાઝાની આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં આવતા વાહનચાલકોને ટોલ ફ્રી કરવામાં આવે.
ખેડૂતોએ ખેમાણા ટોલ પ્લાઝા નજીક સભા યોજીને માગ ઉઠાવી હતી. જ્યારે આજે હજારથી વધુ ખેડૂતોએ રેલી યોજી હતી અને માગણી કરી હતી. ત્યારે ટોલ પ્લાઝા ખાતે એક સભા પણ કરી હતી અને કહ્યું હતું કે, આજે તો શાંત રેલી કરી છે. પરંતુ જો ખેડૂતોની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આક્રમક આંદોલન પણ કરીશું. અગાઉ પણ 30 ગામના સ્થાનિક ખેડૂત આગેવાનોએ ટોલ ફ્રી મુદ્દે રજૂઆત કરી હતી અને આજે પણ રેલી કાઢી ટોલ ફ્રી મુદ્દે રજૂઆત કરી છે. ત્યારે ટોલ પ્લાઝા ઓથોરિટીનું કહેવું છે કે, આ ખેડૂતોની માગણી છે એ નેશનલ હાઈવે ઓથોરિટીને પહોંચાડી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે.

