કેટલાક લોકોએ કારમાં બેસીને ગોળીબાર કર્યો હોવાનો વિડિઓ વાયરલ : ગોલ્ડી ઢિલ્લન પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો ગણાવે છે.
કેનેડાના સરે શહેરમાં સ્થિત પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કાફે (કેપ્સ કાફે) માં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે આ બીજી વખત છે જ્યારે તેમના કાફેને નિશાન બનાવવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો કારમાં બેસીને કાફે તરફ ગોળીબાર કરતા જોવા મળે છે. આ દરમિયાન ગોલ્ડી ઢિલ્લન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે આ હુમલો તેની ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે.જોકે, અત્યાર સુધી ગોળીબારમાં કોઈ ઘાયલ થયાના સમાચાર નથી. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના પર કપિલ શર્મા તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
ગોલ્ડી ઢિલ્લન પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો ગણાવે છે. ગોલ્ડીએ એક ઓનલાઈન પોસ્ટમાં લખ્યું છે કે ‘જય શ્રી રામ, સત શ્રી અકાલ, બધા ભાઈઓને રામ-રામ. સરેમાં કપિલ શર્માના કેપ્સ કાફેમાં આજે થયેલી ગોળીબારની જવાબદારી ગોલ્ડી ઢિલ્લન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સ્વીકારે છે. અમે તેમને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં, તેથી આ કાર્યવાહી કરવી પડી. જો અમને હજુ પણ જવાબ નહીં મળે, તો આગામી કાર્યવાહી ટૂંક સમયમાં મુંબઈમાં કરવામાં આવશે.’
ગયા મહિને 10 જુલાઈના રોજ કપિલ શર્માના કેપ્સ કાફેમાં ગોળીબાર થયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. હુમલાખોરે કારમાંથી પિસ્તોલ કાઢીને 10 થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ છેલ્લી ગોળીબારની જવાબદારી લીધી હતી. હરજીત સિંહ લડ્ડીને NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે BKI (બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ) સાથે સંકળાયેલો છે. લડ્ડીએ કહ્યું છે કે કપિલ શર્માના કોઈ જૂના નિવેદનને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.

