કોગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરીમાં સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું
પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે ચીફ ઓફિસર ની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની માગ સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આ આવેદનપત્રમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની માગણી કરવામાં આવી છે.જેમા તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી અંગે મહિલા ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ ચીફ ઓફિસરે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ કામમાં અવરોધ ઊભો કરવા બદલ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે કોંગ્રેસના શહેર મહામંત્રી હરગોવનભાઈ મકવાણાએ ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી. પરંતુ પોલીસે હજુ સુધી તેમની ફરિયાદ દાખલ કરી નથી. પોલીસે ચીફ ઓફિસરની ફરિયાદ તાત્કાલિક નોંધી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકરની ફરિયાદ ન નોંધાતા આ મામલો વધુ ગરમાયો હતો. ન્યાય મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીનો સંપર્ક કરી કલેક્ટરના પી.એ.ને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે જો ચીફ ઓફિસરની ફરિયાદ દાખલ થઈ શકતી હોય, તો કોંગ્રેસના કાર્યકરની ફરિયાદ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવે.
આ આવેદનપત્ર ના કાર્યક્રમ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ “ચીફ ઓફિસર હાય હાય”ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો એ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.


