અમેરિકામાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયો છે. ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું છે. અકસ્માત બાદ પ્લેનમાં આગ લાગી ગઈ, જેમાં ચાર લોકોના મોત થયા. ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક સ્થિત CSI એવિએશન કંપનીનું આ પ્લેન ફ્લેગસ્ટાફથી લગભગ 200 માઇલ (321 કિલોમીટર) ઉત્તરપૂર્વમાં ચિનલે એરપોર્ટ નજીક ક્રેશ થયું. પ્લેનમાં સવાર લોકો મેડિકલ સ્ટાફ હતા જેઓ એક દર્દીને લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીકક્રાફ્ટ 300 બપોરે એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને FAA તપાસ કરી રહ્યા છે. ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નાવાજો ટ્રાઇબના ચેરમેન બૂ નાયગ્રેને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત વિશે જાણીને તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું, ‘આ એવા લોકો હતા જેમણે બીજાઓને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ નુકસાન ખૂબ જ અનુભવાય છે.’ જિલ્લા પોલીસ કમાન્ડર એમ્મેટ યાઝીએ કહ્યું, “તેઓ ત્યાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કમનસીબે કંઈક ખોટું થયું.”

