થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સંઘર્ષ સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 32 લોકો માર્યા ગયા છે. જ્યારે હજારો લોકોને સરહદી વિસ્તારોમાંથી વિસ્થાપિત થવું પડ્યું. વિસ્થાપિત લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લેવો પડ્યો. દરમિયાન, બંને પક્ષો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બનવાની આશંકા છે.
યુએનએ માં કટોકટી બેઠક; શુક્રવારે મોડી રાત્રે ન્યૂયોર્કમાં આ મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક કટોકટી બેઠક યોજી હતી. જોકે બેઠક પછી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું ન હતું, પરંતુ પરિષદના એક રાજદ્વારીના જણાવ્યા અનુસાર, તમામ 15 સભ્ય દેશોએ થાઇલેન્ડ અને કંબોડિયાને સંયમ રાખવા, તણાવ ઓછો કરવા અને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા વિનંતી કરી છે. ઉપરાંત, દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન (ASEAN) ને પણ સરહદ વિવાદમાં મધ્યસ્થી કરવા વિનંતી કરવામાં આવી હતી.

