ગ્રામજનોએ છાપી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી
વડગામ તાલુકાના બસુ ગામે એક સોની વેપારી ગામ લોકોના સોનાચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા ગ્રામજનો છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે. વડગામ તાલુકાના બસુ ગામે છેલ્લા બાર વર્ષથી રહેતા અને સોની કામ કરી ગુજરાન ચલાવતા એક વેપારીએ ગામ લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. જેથી ગ્રામજનોને પણ તેના ઉપર વિશ્વાસ આવતા ગ્રામજનો દ્વારા તેમના દાગીના બનાવવા, ધોવડાવવા તેમજ નાણાંકીય લેવડદેવડ પણ તેની સાથે શરૂ કરવામાં આવી હતી.
આમ ગ્રામજનો સાથે ગાઢ સબંધ થઈ જતા ગ્રામજનો પણ કોઈ પણ સોના ચાંદીનું દાગીનાનું કામ હોય તો ગામના વેપારી પાસે જતા હતા .જેથી વેપારી પાસે 12 થી 15 જણાએ દાગીના ધોવા માટે, હોલમાર્ક કરાવવા તેમજ બનાવવા માટે દાગીનાઓ આપ્યા હતા. જે દાગીનાઓ લઈ વેપારી છેલ્લા કેટલાક દિવસોથી ભાગી ગયો છે. જેથી તેની દુકાન ન ખુલતા તેમજ ઘરે પણ હાજર ન મળતા તેને ફોન લગાવવામાં આવ્યો હતો.પરંતુ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી ગ્રામજનોને શંકા ગઈ કે આ વેપારી ગામના સોના ચાંદીના દાગીના લઈ રફુ ચક્કર થઈ ગયો છે. જેથી ગામના લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ જ પત્તો ન લાગતા આખરે ગ્રામજનો પોલીસ મથકે આવ્યા હતા અને ગામના સોની વેપારી સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

