ગુજરાતમાં વર્ષ ૨૦૧૩-૧૪ની સરખામણીમાં વર્ષ ૨૦૨૩-૨૪માં સરેરાશ માથાદીઠ આવકમાં ૯૦.૭ ટકાનો વધારો થયો છે જે ટકાવારીની દ્રષ્ટિએ દેશમાં બીજા નંબરે છે. ગુજરાતની વાર્ષિક માથાદીઠ આવક ૧,૯૫,૬૧૭ રૂપિયા છે. જો કે ગુજરાત કરતા વધુ માથાદીઠ આવક ધરાવતા હોય તેવા ચાર રાજ્ય છે. જેમાં ગોવા ૩,૫૭,૬૧૧ રૂપિયા સાથે આ સમયગાળામાં પ્રથમ નંબરે છે.
ગુજરાત દેશભરમાં એકંદરે સમૃદ્ધ રાજ્ય ગણાય છે. એક દાયકા પૂર્વેની અને ૨૦૨૩-૨૪માં નાગરિકને થતી માથાદીઠ આવકની સરખામણીમાં ૯૩,૦૨૮ રૂપિયાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં રાજ્યમાં માથાદીઠ સરેરાશ આવક ૧,૦૨,૫૮૯ રૂપિયાહતી તે ૨૦૨૩-૨૪માં ૧,૯૫,૬૧૭ રૂપિયા નોંધાઇ છે. લોકસભામાં નાણા મંત્રાલય દ્વારા ૨૧ જુલાઈએ એક સવાલના જવાબમાં અપાયેલી માહિતી મુજબ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન) ના અનુમાન મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થિર મૂલ્યો પર દેશની સરેરાશ માથાદીઠ આવક ૧,૧૪,૭૧૦ રૂપિયા છે. જે ૨૦૧૪-૧૫ના વર્ષમાં ૭૨,૮૦૫ રૂપિયા હતી.
વર્ષ ૨૦૨૩-૨૪માં ચાર રાજ્ય જેની વાર્ષિક માથાદીઠ આવક ગુજરાતથી વધુ છે. તેમાં ગોવામાં ૩,૫૭,૬૧૧ રૂપિયા, સિક્કિમમાં ૨,૯૨,૩૩૯, દિલ્હીમાં ૨૭૧,૪૯૦ અને ચંદીગઢમાં ૨,૫૬,૯૧૨નો સમાવેશ થાય છે. ગુજરાત પાંચમા નંબરે છે. વિવિધ રાજ્યની માથાદીઠ આવકની માહિતી પ્રમાણે અનેક રાજ્ય એવા છે જેમાં ગુજરાતની આવક કરતા મોટુ અંતર છે. ગુજરાતના લોકોની માથાદીઠ આવકમાં એક દાયકામાં ૯૦ ટકાનો વધારો થયો છે.

