FB સામે એન્ટીટ્રસ્ટ કેસ, હારે તો ઇન્સ્ટાગ્રામ-વ્હોટ્સએપ વેચવા પડશે, ઝુકરબર્ગનું સામ્રાજ્ય ધરાશાયી થઈ શકે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અમેરિકામાં ગ્રાહક સુરક્ષા નિયામક (એફટીસી) સંસ્થાએ માર્ક ઝુકરબર્ગના નેતૃત્વવાળી કંપની ફેસબુક પર લેન્ડમાર્ક એન્ટીટ્રસ્ટ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. ફેસબુક પર બજારની પ્રતિસ્પર્ધા જ સમાપ્ત કરવા માટે સત્તા-શક્તિનો દુરુપયોગ કરવાનો આરોપ છે. એફટીસી અને 48 રાજ્યના એટર્ની જનરલે બુધવારે આ કેસની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યાર પછી ફેસબુકના શેરોમાં 4%નો ઘટાડો થયો હતો. વર્ષ 2020માં ફેસબુકના શેરની કિંમતમાં 35% જેટલો વધારો થયો છે.

ફેસબુક પર આરોપ છે કે તે હરીફોને ખરીદીને સોશિયલ નેટવર્કિંગની દુનિયામાં પોતાનો એકાધિકાર સ્થાપિત કરવા ઈચ્છે છે. વર્ષ 2012માં ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામને રૂ. 5,362 કરોડમાં ખરીદી અને 2014માં રૂ. 1.65 લાખ કરોડમાં વ્હોટ્સએપની ખરીદીથી સંકેત મળે છે કે ફેસબુક સોશિયલ મીડિયામાં વર્ચસ્વ વધારવા માગે છે. આ અરજીમાં કહેવાયું છે કે આ પહેલાં પણ આ ડીલનો મુદ્દો નિયામકો સામે આવ્યો હતો, પરંતુ ત્યારે આ કરારો પ્રસ્તાવિત હતા, પરંતુ બાદમાં માલૂમ પડ્યું કે આ સોદા બજારની સ્વસ્થ સ્પર્ધા માટે જોખમ છે.

હવે એફટીસી ઈચ્છે છે કે ફેસબુકનો વેપાર બે ભાગમાં વહેંચી દેવાય. જોકે આ સૂચન ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગે ઊભા કરેલા સોશિયલ સામ્રાજ્યના અસ્તિત્વ સામે જોખમ સમાન છે. એનું કારણ એ છે કે કંપનીની આવક ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપને કારણે વધી છે અને એના દમ પર ફેસબુક ડિજિટલ કોમર્સના ક્ષેત્રમાં ઊતરી છે. જો તેના હાથમાંથી આ બે નફાકારક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નીકળી જાય તો ફેસબુકની લૉન્ગટર્મ વેલ્યુ સમાપ્ત થઈ જશે.

વેડબશ સિક્યોરિટીઝના વિશ્લેષક ડેન ઈવ્સનું કહેવું છે કે ફેસબુકનું તૂટવું રોકાણકારો માટે બહુ ખરાબ સમાચાર હશે, કારણ કે આ કંપનીઓથી તેને ફાયદો થવાનો શરૂ જ થયો હતો. ફેસબુક આ વર્ષે ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપને માધ્યમ બનાવીને ઈ-કોમર્સ દિગ્ગજ બનવા ઈચ્છતી હતી, પરંતુ હવે આવું થવાની શક્યતા ઘટી છે. ઈન્સ્ટાગ્રામે 2019માં રૂ. દોઢ લાખ કરોડની કમાણી કરી હતી. નિષ્ણાતોના મતે, ફેસબુકની આવક હવે ઘટી જશે. જોકે આ કેસ હજુ કોર્ટમાં વિચારાધીન છે.

ફ્રાન્સે ગૂગલને રૂ. 890 કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ ફ્રાન્સના ઓનલાઈન એડવર્ટાઈઝિંગ ટ્રેકર્સ (કૂકીઝ)ના નિયમોના ઉલ્લંઘનને લઈને ફટકારાયો છે. ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોન પર પણ રૂ. 311 કરોડનો દંડ લાગ્યો છે. ફ્રાન્સની નિયામક સંસ્થાને માલૂમ પડ્યું હતું કે ગૂગલની ફ્રેન્ચ વેબસાઈટ અને એમેઝોને એડવર્ટાઈઝિંગ કૂકીઝને સેવ કરવાની લોકો પાસેથી મંજૂરી જ નહોતી લીધી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.