બનાસકાંઠા સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજની સૂચના અનુસાર, નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર ઉત્તર પોલીસે મધ્યપ્રદેશના ખેતીયા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડી, ખેતીયા પોલીસને સોંપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, ડીસા નવા બસસ્ટેશન ખાતેથી મધ્યપ્રદેશના ખેતીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૧૨૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબના ગુનામાં નાસતા-ફરતા આરોપી રણછોડભાઈ મનજીભાઈ ચૌધરી (ઉ.વ. ૨૭, ધંધો: ડ્રાઈવીંગ, રહે. ભાખરી, તા. વાવ, જી. બનાસકાંઠા) ને ભોગ બનનાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
ડીસા શહેર ઉત્તર પોલીસે તાત્કાલિક ધોરણે મધ્યપ્રદેશના ખેતીયા પોલીસનો સંપર્ક કરી, આરોપી અને ભોગ બનનારને કાયદેસરની કાર્યવાહી માટે ખેતીયા પોલીસને સુપરત કર્યા છે. આ કામગીરીથી બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય ગુનાઓમાં પણ સક્રિયતા દર્શાવી છે.

