અમદાવાદમાં પુત્રીના લગ્નના 4 કલાક પહેલાં દાગીના ઝૂંટવી ગઠિયો ફરાર: પોલીસે બે કલાકમાં ઝડપ્યો પોલીસનો કમાલ જોઈ IPS પ્રસન્ન થયા

ગુજરાત
ગુજરાત

ડીસીપી પ્રેમસુખ ડેલુએ જવાનોને શાબાશી આપી રૂ.501 અને પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી

અમદાવાદ: પાલડીની જૈનનગર સોસાયટીમાં મંગળવારે બપોરે 1 વાગ્યે પુત્રીના લગ્નના ચાર કલાક પહેલાં દાગીના લઈને નીકળેલી માતાના હાથમાંથી ચોર રૂ.3.25 લાખના દાગીના ભરેલું પર્સ ખેંચી ફરાર થઈ ગયો હતો. જોકે પાલડી પોલીસે ગણતરીના કલાકમાં એવો કમાલ કર્યો કે, દિકરીના લગ્નના દાગીના ચોરી થવાથી દુઃખી પરિવારના સભ્યો તો ખુશીથી ઝૂમી ઉઠ્યા, પણ ખુદ આઈપીએસ અધિકારી પણ પોલીસ પર પ્રસન્ન થઈ ગયા અને ઈનામની જાહેરાત કરી હતી.

બનાવની વિગત મુજબ આનંદ સર્જીકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને પાલડીના સૃષ્ટી એપાર્ટમેન્ટમાં રહેતા સમીરભાઈ પ્રવિનચંદ્ર શાહની પુત્રી રિયાના સોમવારે સાંજે 5 વાગ્યે લગ્ન હતા. રિયા લગ્ન હોવાથી જૈનનગર સોસાયટીમાં આવેલા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી. રિયાની માતા સપનાબહેન લગ્નમાં પહેરવાનો દિકરીનો સોનાનો હાર અને બુટ્ટી 86 ગ્રામ વજનના દાગીના ભરેલું પર્સ લઈ ચાલતા બ્યુટી પાર્લર જઈ રહ્યા હતા.

તે સમયે એક્ટિવા પર આવેલા શખ્સે સપનાબહેનના હાથમાંથી દાગીના અને મોબાઈલ ફોન સાથેનું પર્સ ખેંચી લીધું અને ફરાર થઈ ગયો હતો. સપનાબહેન આંખમાં આંસુ સાથે દુઃખી મને પાલડી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા.
પાલડી પીઆઈ એ.જે.પાંડવ સહિતનો સ્ટાફ સપનાબહેનની હાલત જોઈ દુઃખી થઈ ગયો હતો. પાલડી પોલીસે મનોમન નક્કી કરી લીધું કે, આ ચોરને પકડવો છે.

પોલીસે રાજનગર સોસાયટીમાં પહોંચી ઘટનાના સીસીટીવી ફૂટેજ જોયા હતા. બાદમાં બાતમીદારોને ફૂટેજ બતાવી એક્ટિવ કર્યા હતા. એક તરફ દિકરી રિયાના લગ્ન શરૂ થઈ ગયા પણ પરિવારના સભ્યો દાગીનાને લઈ દુઃખી હતા. પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે.પાંડવ અને ડીસ્ટાફ પીએસઆઈ કે.જે કરપડાએ ટીમોને આરોપી શોધવા દોડાવી હતી.

આ બાજુ રિયાના લગ્ન 5 વાગ્યે શરૂ થયા ત્યાં બીજી બાજુ આરોપી શોધતી પાલડી પોલીસના એલઆરડી જવાન જયમીન મહેશભાઈ, વિક્રમ લક્ષ્મણભાઈ અને હેડ કોન્સ્ટેબલ ગણપત શીવાભાઈને બાતમી મળી કે, દાગીનાનું પર્સ આંચકી લેનાર શખ્સ રાજનગર ગાર્ડન પાસેથી પસાર થવાનો છે. બાતમી મુજબ પોલીસે આરોપી મહંમદ અઝરૂદ્દીન ફઝલુદ્દીન શેખ (ઉં,30) રહે, ગવર્નમેન્ટ કોલોની, શાહીબાગની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે સોનાનો હાર, બુટ્ટી અને મોબાઈલ ફોન મળી રૂ.3.31 લાખનો કબ્જે લીધો હતો.

દિકરીના લગ્નના સોનાના દાગીના મળી ગયાના સમાચાર પોલીસે આપતા રિયાના માતા સપનાબહેન અને પપ્પા સમીરભાઈ સહિતના પરિવારના સભ્યો ખુશીથી ઝૂમી ઉઠ્યા. બીજી તરફ ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુ પાલડી પોલીસ પર પ્રસન્ન થયા હતા. તેઓએ પોલીસ જવાનોને શાબાશી આપી રૂ.501નું ઇનામ જાહેર કર્યું હતું.

ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, પોલીસ જવાનોએ જે 2થી 3 કલાકના ગાળામાં દાગીના સાથે આરોપીને ઝડપી ઉત્તમ કામ કર્યું હતું. મેં તેઓને રૂ.501નું ઈનામ અને પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.