વરસાદી વહી જતાં પાણીના સંગ્રહ થકી આવનાર પેઢીને આનો લાભ મળશે : ડીસીપી, સફિન હસન
પાલનપુર તાલુકાના ગામડાઓમાં વર્ષોથી પાણીના તળ ઊંડા જતા પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.પાણીના તળ 800 થી 1000 ફૂટે જતા ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી તો બીજી તરફ ગામડાઓમાં પંચાયતો દ્વારા બોર બનાવવામાં આવે છે પણ તેમાં પણ પીવાનું પાણી મળતું નથી ત્યારે હવે પાલનપુરના કાણોદર ગામના લોકોએ વોટર હારવેસ્ટિંગ (વરસાદના પાણીનો સંગ્રહ) માટે 45 લાખનો લોક ફાળો કરીને મોડલ કુવા બનાવ્યા છે. જેમાં વરસાદનું વરસતું પાણી આ મોડલ કુવામાં ઉતારવામાં આવે છે અને પાણીના તળ ઉપર આવે તે માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠાના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા ડીસા ,અમીરગઢ તાલુકાઓમાં સિંચાઈના પાણી માટેની ગંભીર સમસ્યા છે ..પાણીના તળ એટલા ઊંડા ગયા છે કે ખેડૂતો બોર બનાવે તો પણ પાણી મળતું નથી અને ખર્ચ પણ માથે પડે છે ત્યારે આ વિસ્તારોમાં 800 થી 1000 ફૂટ જેટલા તળ ઉંડા ગયા છે.જેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી તો બીજી તરફ ગામડાઓમાં પીવાના પાણી માટે પણ લોકોને વલખાં મારવા પડતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામના યુવાનો વડીલો દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. કાણોદર ગામના લોકોએ પાલનપુરની આજુબાજુમાં જે ગામોમાં જળસંચયના કામો થયા હતા તેનો અભ્યાસ કર્યો અને કાણોદરમાં પણ વરસાદનું વહી જતું પાણી જમીનમાં ઉતરે તે માટે નક્કી કર્યું..પરંતુ સૌથી મોટો પડકાર આની પાછળ થનાર ખર્ચનો હતો.
વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટેના અભિયાનને લઈને ગામના લોકોએ દાન આપવાનું શરૂ કર્યું જેમ જેમ દાન આવતું ગયું તેમ તેમ ગામમાં વરસાદી પાણી જમીનમાં ઊંડા ઉતારવા માટેના મોડલ કુવા બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું અને સૌથી પહેલા પાંચ એવા સ્થળ પસંદ કર્યા જ્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાતું હતું અને જ્યાં જુના કુવા આવેલા હતા પરંતુ વર્ષોથી બંધ પડ્યા હતા. આવી 5 જગ્યા શોધીને ગામ લોકોએ શ્રમદાન કરીને જાતે ડિઝાઇન કરીને વૈજ્ઞાનિક ઢબે પાંચ કુવાઓનું નિર્માણ કર્યું. આ ઉપરાંત 500 ફૂટ ઉંડા બે બોરવેલ બનાવી જેમાં પણ જમીનમાં વરસાદી પાણી ઉતરે તે માટેની યોજના પણ બનાવી. જેમાં પહેલા વરસાદમાં જ આ તમામ મોડેલ કુવામાં પાણી ઉતરી ગયું અને આ યોજના સફળ પણ થઈ છે.
ગ્રામજનોએ પ્રેક્ટીકલ અનુભવ કરી મોડલ કુવાની જાતે ડિઝાઇન બનાવી
પાલનપુર તાલુકાના ગામોમાં ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 100 થી 450 ફૂટે પથ્થર આવે છે પથ્થરના લેયરના કારણે કુદરતે જાણે ઊંડાઈએ આરસીસી ભરેલા લેયર બનાવેલા છે તો તેમાં જો પડતર કુવાના બોર દ્વારા રીચાર્જ કરવામાં આવે તો તે લેયરોથી નીચે પાણી જાય નહીં અને તરત જ પાણીના લેવલ ઉપર આવે છે .તેવો પ્રેક્ટીકલ અનુભવ પણ કરાયો છે..ત્યારે આ મોડલ કુવાની ડિઝાઇન પણ જાતે બનાવી છે .5 લાખ જેટલા ખર્ચે એક મોડલ કૂવો તૈયાર થઈ જાય છે.
દર વર્ષે 1 કરોડ 30 લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરશે
કાણોદર ગામનાં લોકોએ વોટર હારવેસ્ટિંગ થકી વરસાદી વહી જતાં પાણીને ભૂગર્ભમાં ઉતરવાના અભિયાન થકી દર વર્ષે 1 કરોડ 30 લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરશે.જે પાણી એક વર્ષ સુધી 7 હજાર લોકો ઉપયોગમા લઈ શકે તેવું અમને જાણકારો પાસેથી અંદાજ મળ્યો છે.. અને આ બોરવેલ અને મોડેલ કુવામાં વૈજ્ઞાનિક ઢબે પાણી ઉતારવા માટેની પદ્ધતિ અપનાવી છે અને જમીનમાં પણ સ્વચ્છ પાણી જાય તે માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.તેમ ગામલોકોએ જણાવ્યું હતું.
આવનાર પેઢીને આનો લાભ મળશે : સફિન હસન
પોતાના માદરે વતન પહોંચેલા અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડીસીપી સફિન હસને આ મોડેલ કુવાની મુલાકાત કરીને જાત નીરીક્ષણ કર્યું હતું. જ્યાં ગ્રામજનોની આ કામગીરી બિરદાવી જણાવ્યું કે, દિવસે ને દિવસે પાણીની અછત ઉભી થઇ રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા વહી જતાં વરસાદી પાણીના સંગ્રહ થકી આવનાર નવીન પેઢીને આનો લાભ મળશે.

