હાઇકોર્ટના આદેશને પગલે તંત્ર દ્વારા સ્થળ અને રેકર્ડ ચકાસણી હાથ ધરાઈ
250 જેટલા મકાનો ગૌચરમાં હોઈ તોડી પાડવાની દહેશત તળે ગ્રામજનોમાં ફફડાટ
તંત્રની ભૂલનો ભોગ બનતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા; પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવાને લઈને ગામના જ એક અરજદારે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેને લઈને હાઇકોર્ટના આદેશને પગલે તંત્ર દ્વારા દબાણો અંગે સ્થળ અને રેકર્ડ તપાસ હાથ ધરાઈ છે. જોકે, ગામ તળ નિમ કરવામાં તંત્રની ભૂલનો ભોગ ગ્રામજનો બનતા ગૌચરમાં ઘર બનાવીને રહેતા 250 જેટલા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે.
પાલનપુર તાલુકાના સલ્લા ગામ માં ગૌચરમાં દબાણો થયા હોઈ દબાણો દૂર કરવાની માંગને લઈને સલ્લા ગામના જ અરજદાર મોતીભાઈ મૂળચંદભાઈ પ્રજાપતિ એ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. જેમાં હાઇકોર્ટ દ્વારા તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ કરાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
જિલ્લા કલેકટર દ્વારા એસ.ડી. એમ, પાલનપુરના અધ્યક્ષ પદે 6 સભ્યોની એક કમિટી બનાવી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. જેને લઈને તંત્ર દ્વારા સલ્લા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ થતાં ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. ગામ માં 250 જેટલા અરજદારો પાસે પ્લોટની વર્ષોજુની સનદો છે. પરંતુ તેઓના મકાન ગૌચરમાં હોવાથી તેઓ અજાણ છે. તંત્રની ભૂલનો ભોગ બનેલા અને ગામ બહાર મુંબઇ અને સુરત વસતા ગ્રામજનો પણ ગામમાં દોડી આવ્યા છે. જેઓ પોતાની મિલકતના આધાર પુરાવા ગ્રામ પંચાયતમાં બતાવવા આવી રહ્યા છે.
જોકે, જે તે સમયે જિલ્લા કલેકટરે ગામ તળ નિમ કરેલ છે. પણ જમીન દફતરે તે દુરસ્ત કરેલ ન હોઈ રેકર્ડ પર તે ગૌચર બોલતું હોઈ તંત્રની ભૂલનો ભોગ ગામના ગ્રામજનો બની દોડધામ કરવા મજબૂર બન્યા છે. તંત્રના તપાસ ના ધમધમાટને પગલે વર્ષો જુનો કબજો ભોગવટો અને સનદો ધરાવતા લોકોના જીવ તાળવે ચોંટયા છે.
દબાણમાં હોય તો સનદો આવી ક્યાંથી? જિલ્લા કલેકટરે જે-તે સમયે ગામ તળ નીમ કરેલ છે. પરંતુ જમીન દફતરે રેકર્ડ દુરસ્ત કરેલ નથી. જેથી વર્ષો પૂર્વે પ્લોટ ફાળવણી કરી અરજદારોને સનદો અપાઈ છે. ત્યારે અરજદારો ગૌચરના દબાણમાં હોય તો સનદો આવી ક્યાંથી? તે સવાલ લોકો તંત્રને કરી રહ્યા છે. ગામમાં ત્રણ ત્રણ પેઢીથી મકાનો બનાવીને વસતા લોકોને તેઓનું ઘર ગૌચરમાં હોવાની જાણ થતાં તેને તોડી પડવાની દહેશતને પગલે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


