રૂ. 89 હજાર રોકડ અને મોબાઈલ લૂંટી ફરાર થયેલ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી
પાટણ તાલુકાના મહેમદપુર ગામે આવેલા મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર સાથે લૂંટનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ ના મેનેજર ભદ્રેશકુમાર દવે (35) પેટ્રોલ પંપની દિવસની આવક રૂ. 89 હજાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગદોસણ ગામ નજીક દશા માતાના મંદિર પાસે ચાર અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. આરોપીઓએ બાઈકને સાઈડમાં લેવડાવી ચાવી કાઢી લીધી હતી. એક શખ્સે ભદ્રેશભાઈને પકડી રાખ્યા હતા અને છરી બતાવી બાઈકના હુકમાં રાખેલી બેગ આંચકી લીધી હતી.બેગમાંરોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન, પેટ્રોલ પંપની ચાવી અને અન્ય મહત્વના દસ્તાવેજો હતા.
મેનેજર ભદ્રેશભાઈ લૂંટારુઓની પકડમાંથી છૂટીને હાઈવે પર દોડ્યા હતા અને બચાવો-બચાવોની બૂમો પાડતા માગૅ પરથી પસાર થતાં સ્વિફ્ટ કાર અને એક બાઈક ચાલકે તેઓની મદદ કરી હતી. ભદ્રેશભાઈએ તરત જ બનાવની જાણ પોતાના પિતા અને પેટ્રોલ પંપના માલિક કૃણાલ પટણીને જાણ કરી બનાવ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂટની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાટણ પંથકમાં પેટ્રોલ પંપ ના મેનેજરને છરીની અણીએ બનેલ બનાવના પગલે સનસનાટી મચી જવા પામી છે.

