અન્ય ઉમેદવારો માટે પ્રેરણારૂપ કાર્ય; ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની સમસ્યા વકરી રહી છે, ત્યારે થરાદ તાલુકાના પાવડાસણ ગ્રામ પંચાયતના સરપંચએ નિરાધાર ગાયોને લીલો ઘાસચારો ખવડાવીને અનોખી ગૌસેવા કરી છે. થરાદ તાલુકાના જાણીતા ગૌપ્રેમી વસંતભાઈ દેસાઈની પ્રેરણાથી કાળુભાઈ રબારીએ પાવડાસણ, જડીયાલી, ઘાંણા, નાંદલા અને ભાદરા ગામોમાં રખડતી 500 થી 600 જેટલી ગાયોને એક ગાડી લીલો ઘાસચારો પૂરો પાડ્યો હતો. વસંતભાઈ દેસાઈ પોતે પણ થરાદ તાલુકાના વિવિધ ગામડાઓમાં ફરીને નિરાધાર ગૌવંશ માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરીને ગૌમાતાની સેવા કરી રહ્યા છે.
ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દરેક ગામડે ગામડે પોતાની ઈચ્છા અનુસાર એક એક ગૌમાતાની સેવા માટે દરેક લોકો આગળ આવે અને ગૌસેવા તરફ વળે. દરેક ગામડે ગૌમાતાઓની સેવા થાય તે માટે દરેક ગામના ગૌભક્તો અને જીવદયા પ્રેમીઓને હું વિનંતી કરું છું.આ પ્રકારના સેવાભાવી કાર્યો સમાજમાં જીવદયા અને પરોપકારનો સંદેશો પ્રસરાવે છે.

