ગુજરાતના લાડીલા નેતાના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ : ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર ખાતે શ્રદ્ધાંજલિ અપાશે
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અપ્રતિમ લોકચાહના ધરાવનારા નેતા શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે. તા. 12 જૂન, 2025 ના રોજ અરિહંતશરણ પામેલા આ સાત્વિક અને લોકપ્રિય નેતાની દિવ્ય આત્માની શાંતિ અર્થે આવતીકાલે, ગુરુવાર, તા. 19 જૂન, 2025 ના રોજ ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થનાસભા સવારે 9:00 કલાકથી બપોરના 12:00 કલાક સુધી હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલિપેડ ગ્રાઉન્ડ, સેક્ટર 17, ગાંધીનગર ખાતે યોજાશે. શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન રાજ્ય માટે એક મોટી ખોટ છે. તેમણે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક લોક કલ્યાણકારી કાર્યો કર્યા હતા. અને તેમનું સાદગીભર્યું જીવન સૌ માટે પ્રેરણાદાયી હતું.તેમના નિધનથી રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત સામાન્ય જનતામાં પણ દુઃખની લાગણી વ્યાપી છે. આવતીકાલે યોજાનારી આ પ્રાર્થનાસભામાં રાજકીય નેતાઓ, કાર્યકરો, શુભચિંતકો અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.

