ખેડૂતોની સરકાર સાથે વાતચીત શરૂ, કાયદો પાછો લેવા માટે અડગ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનો આજે 10મો અને મહત્વનો દિવસ છે. ખેડૂતોની સરકાર સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. તેમણે એકવાર ફરી કહ્યું કે, કૃષિ કાયદમાં ફેરફાર કરવાથી કંઈ નહીં થાય,સરકારે ત્રણેય કાયદા પાછા લઈ લેવા જોઈએ.

ટીકરી-કુંડલી બોર્ડર પર આંદોલન કરી રહેલા 170થી ખેડૂતોને તાવ અને ખાંસી છે. અહીં લાગેલા કેમ્પમાં હજારો ખેડૂતો દવા લઈ રહ્યા છે. અપીલ છતાં ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. ત્રણ ખેડૂતોનાં મોત થઈ ચૂક્યાં છે. સમર્થન આપવા પહોંચેલા મહમ ધારાસભ્ય બલરાજ કુંડુ કોરોના પોઝિટિવ થયા છે. હરિયાણા ભાકિયુના પ્રવક્તા રાકેશ બૈંસે જણાવ્યું હતું કે ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે તબિયત ખરાબ થતાંની સાથે ચેકઅપ કરીને દવા લે. જેમને તાવ છે તે કોરોના ટેસ્ટ પણ કરાવે. લગભગ એક હજાર ખેડૂતો દવા લઈ ચૂક્યા છે.

અરજદારે કહ્યું હતું કે ખેડૂતોને દિલ્હી સરહદ પરથી તાત્કાલિક હટાવવાના આદેશ આપવામાં આવે, કારણ કે પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. પિટિશનરના વકીલ ઓમ પ્રકાશ પરિહારે આ માહિતી આપી છે. જોકે આ અરજી પર સુનાવણીનો દિવસ નક્કી થયો નથી.

ખેડૂત આંદોલન માટેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય ખેડૂતો અંગે કેનેડાના નેતાઓના નિવેદન અમારા આંતરિક મામલામાં દખલગીરી છે, જેને ચલાવી લેવાશે નહીં. આવું જ રહેશે તો બન્ને દેશના સંબંધને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આ સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ બોલાવ્યા છે. ટ્રુડોએ ગુરુનાનક જયંતીના દિવસે ભારતના પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી કહ્યું હતું કે સ્થિતિ ચિંતાજનક છે. તેઓ હંમેશાં શાંતિપૂર્ણ વિરોધના પક્ષમાં રહેશે.

ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે યુપી ગેટ પર ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા ખેડૂતોનું ઉત્પાદન એમએસપીથી ઓછી કિંમતે ખરીદનારા લોકોને કેદની સજા કરવાની બંધારણીય જોગવાઈ કરવાની માગ કરી અને કહ્યું હતું કે એમએસપી મુદ્દે કોઈ સમાધાન નહીં થાય.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂત આંદોલનકારીઓ સાથે ફોન પર વાતચીત કરી સમર્થન આપ્યું હતું. ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન હરિયાણામાં ખેડૂતોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ આ ત્રણેય કૃષિકાયદાના માધ્યમથી ખેડૂતોના અધિકારો કોર્પોરેટ ગૃહોને વેચી રહ્યો છે.

ખેડૂતોના સપોર્ટમાં અવૉર્ડ પરત કરવાનો સિલસિલો બીજા દિવસે શુક્રવારે પણ યથાવત્ રહ્યો. લેખક ડો. મોહનજિત, ચિંતક ડો. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે તેમના સાહિત્ય અકાદમી અવૉર્ડ પરત કરી દીધા છે. ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે તેમનો પદ્મવિભૂષણ અવૉર્ડ પરત કરી દીધો હતો.

ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલાં, એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આંદોલન હવે અટકશે નહીં. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના લીડર દર્શનપાલે આજે કહ્યું હતું કે કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે આખા કાયદામાં ખામી છે. અમે આવતીકાલે યોજાનારી મીટિંગ પહેલાં આજે ચર્ચા કરીશું અને અમારી રણનીતિ તૈયાર કરીશું. સંગઠનો વચ્ચે બેઠક થઈ રહી છે.

ખેડૂતોએ કહ્યું, મુદ્દો માત્ર MSPનો નથી, પણ કાયદો પૂરી રીતે પાછો લેવાનો છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, માત્ર એક નહીં, પણ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે હવે પાંચમી વખત વાતચીત 5 ડિસેમ્બરે થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.