વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ચેતવણી આપતા પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે આર્થિક રાષ્ટ્રવાદ, ટેરિફની અસ્થિરતા સતત અનિશ્ચિતતાને વેગ આપી રહી છે. તેના કારણે વૈશ્વિક આર્થિક સુધારા અને વિકાસ નકારાત્મકતા તરફ ધકેલાઇ શકે છે. જો કે આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે, દક્ષિણ એશિયા આર્થિક વિકાસને લઇને ભારે આશાવાદી છે. એટલુ જ નહી આ ક્ષેત્રે ભારત ૨૦૨૫ અને ૨૦૨૬માં વિકાસનું મુખ્ય એન્જિન બનવા માટે તૈયાર છે.
WEFએ ‘મુખ્ય અર્થશાષાી આઉટલૂક’ શિર્ષકનો એક રિપોર્ટ જારી કર્યો છે. આમાં, વિશ્વભરના આર્થિક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વર્તમાનમાં અમેરિકાની આર્થિક નીતિ વૈશ્વિક સ્તરે કાયમી અસર કરી રહી છે, જેના કારણે એક તરફ મંદીનું જોખમ વધી રહ્યું છે, તો બીજી તરફ ઘણા દેશોમાં વ્યૂહાત્મક વ્યાવસાયિક નિર્ણયોમાં પણ વિલંબ થઈ રહ્યો છે. એટલું જ નહીં, વર્તમાન આર્થિક વિકાસે એકંદર વૈશ્વિક વિકાસ પર દબાણ વધાર્યું છે.અહેવાલ મુજબ દક્ષિણ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત, વિકાસનું પ્રાથમિક એન્જિન બનવા માટે તૈયાર છે.WEFએ ૨૦૨૫ માટે ભારતના વૃદ્ધિ દર ૬.૨ ટકા અને ૨૦૨૬ માં ૬.૩ ટકા રહેવાનો અંદાજ પણ લગાવ્યો છે.ચીન અને યુએસ વચ્ચે ટેરિફ પર વાટાઘાટો પછી થયેલા ૯૦-દિવસના કરારથી ભારતના આર્થિક વિકાસની સંભાવનાઓ પર અસર પડી શકે છે, પરંતુ ભારત અને યુકે વચ્ચેના વેપાર કરારથી નવી આશા જાગી છે. ઉપરાંત, સારી સ્થાનિક માંગ અને મજબૂત રોકાણ તેમજ ડિજિટલ નવીનતાના આધારે, વૈશ્વિક પ્રતિકૂળતાઓમાં પણ ભારત અન્ય તુલનાત્મક અર્થતંત્રો કરતાં સારી સ્થિતિમાં છે.

