ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં 2ના મોત

ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં 2ના મોત


ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના કેસોમાં ફરી વધારો

(જી.એન.એસ) તા. 20

નવી દિલ્હી/મુંબઈ,

એશિયાના ઘણા ભાગોમાં કોવિડ-૧૯ ચેપનો નવો મોજું ઉભરી આવ્યું છે, જેમાં ભારત સહિત સિંગાપોર, હોંગકોંગ અને થાઇલેન્ડ જેવા દેશોમાં કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પુનરુત્થાન મુખ્યત્વે નવા વિકસિત ઓમિક્રોન પેટા પ્રકારો, ખાસ કરીને JN.1, દ્વારા પ્રેરિત છે, જે ઝડપથી વૈશ્વિક સ્તરે પ્રબળ બની રહ્યા છે.

દેશમાં ફરીએકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. દિવસ જાય તેમ ધીરે ધીરે કોરોનાના આંકડા વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ-19 ના ઘણા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ શેર કર્યું છે. 19મે સુધીમાં દેશમાં કોવિડના257 સક્રિય કેસ નોંધાયા છે. ભારતની સાથે અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ પર 20 મે સુધીના દર્શાવેલા ડેટા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 257 સક્રિય કેસો છે અને તેમાં 164 કેસો નવા નોંધવામાં આવ્યા છે. નવા વેરિયન્ટની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલમાં બે લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. એવું પણ કહેવાય છે કે, બંને લોકોના મોત પાછળ અન્ય કારણો કહેવાયા છે. મૃતકોમાં 59 વર્ષિય એક વ્યક્તિ કેન્સરથી પીડાતા હતા, જ્યારે મૃતક 14 વર્ષની કિશોરી પણ અન્ય સમસ્યાઓથી પીડાતી હોવાની માહિતી સામે આવી છે.

વર્તમાન સમયમાં કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે અને અહીં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. બીજા નંબરે તમિલનાડુમાં નવા 34 પોઝિટિવ કેસ નોંધાયા બાદ કુલ કેસ 66, પછી મહારાષ્ટ્રમાં 44 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા 56, ગુજરાતમાં 6 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ 7, હરિયાણામાં એક નવો કેસ, રાજધાની દિલ્હીમાં ત્રણ નવા સાથે કુલ પાંચ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે પુડુચેરીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે.

કેટલાક એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે અને 12 મેથી કોરોના દર્દીઓના આંકડા ફરી અપડેટ કરવાના શરુ કરી દીધા છે. અહેવાલ મુજબ દેશમાં 11 રાજ્યોમાં કોરોના ફેલાયો છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને કર્ણાટક સામેલ છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી એક દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. 

મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતાં કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તેમજ 2 દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. જો કે, બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને કિડનીની સમસ્યા હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હૉસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ પથારી અને ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે. જાન્યુઆરી 2025થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. જોકે, મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી રહ્યું છે.

કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો થાય છે. આ સાથે ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન અનુભવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો દેખાય છે, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હૉસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *