સી-પ્લેન સેવા બંધ, પ્લેન માલદીવ પાછું મોકલાયું.

ગુજરાત
ગુજરાત

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે મોટેઉપાડે શરૃ કરવામાં આવેલી સી પ્લેન સર્વિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયાના ૨૮માં દિવસે જ અનિશ્ચિત સમય માટે બંધ થઇ ગઇ છે. ૨૭ નવેમ્બરના મુસાફરો સાથેની છેલ્લી ઉડાન ભર્યા બાદ સી પ્લેન જ્યાંથી આવ્યું હતું તે માલ્દિવ્સ ખાતે જ પરત ફર્યું છે. સી પ્લેનને ‘મેઇન્ટેનન્સ’ના ભાગરૃપે માલ્દિવ્સ મોકલવામાં આવ્યું છે અને તે ૧૦-૧૫ દિવસમાં પરત ફરશે તેવો એરલાઇન્સ-ઉડ્ડયન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે આ સી પ્લેન હવે ફરી ક્યારે શરૃ થશે તેની સામે અનિશ્ચિતતા છે.

ઉડ્ડયન વિભાગના દાવા પ્રમાણે ૧૯ લોકોની બેસવાની ક્ષમતા ધરાવતું ટ્વિન ઓટ્ટર ૩૦૦ સી પ્લેન એરક્રાફ્ટ માલ્દિવ્સની કંપનીની માલિકીનું હતું અને તે શનિવારે માલ્દિવ્સ માટે પરત ફર્યું છે. સ્પાઇસ જેટની પેટા કંપની સ્પાઇસ શટલ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહેલા સી પ્લેનને માલ્દિવ્સ આઇલેન્ડ એવિએશન સર્વિસિસ પાસેથી ભાડાપટ્ટે લેવામાં આવ્યું હતું. માલ્દિવ્સ આઇલેન્ડ એવિએશન સર્વિસિસ માલ્દિવ્સ સરકારને હસ્તગત છે. એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘એરક્રાફ્ટને મેઇન્ટેનન્સ માટે માલ્દિવ્સ પરત મોકલાવામાં આવ્યું હોવાથી હાલ પૂરતી સી પ્લેન સર્વિસ બંધ રહેશે. અમદાવાદમાં સી પ્લેનના મેઇન્ટેનન્સની સુવિધા હજુ નિર્માણ હેઠળ છે. જેના કારણે એરક્રાફ્ટને મેઇન્ટેનન્સ માટે માલ્દિવ્સ પરત મોકલ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નહોતો. એરક્રાફ્ટ પરત આવતા જ ફ્લાઇટ રાબેતા મુજબ શરૃ થઇ જશે. અમદાવાદમાં મેઇન્ટેનન્સની સુવિધા ઝડપથી શરૃ થઇ જશે તેવો આશાવાદ છે જેથી ભવિષ્યમાં મેઇન્ટેન્સ ત્યાં જ થઇ શકશે.

એરલાઇન્સ દ્વારા વધુમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે એરક્રાફ્ટને મેઇન્ટેનન્સ માટે માલ્દિવ્સ પરત લઇ જવું પડશે તેવું સી પ્લેનની સોંપણી વખતે જ નક્કી થયું હતું. આ જ કારણ છે કે ૨૭ નવેમ્બર બાદના બૂકિંગ અમારા દ્વારા લેવામાં જ આવ્યા નહોતા. કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માલ્દિવ્સના એરક્રાફ્ટને બદલાવવામાં આવી શકે છે. જોકે, આ અંગે ડીજીસીએ દ્વારા કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ ગુજરાત સિવિલ એવિએશનના ડિરેક્ટર અજય ચૌહાણે જણાવ્યું કે, ‘સી પ્લેનના ઉડ્ડયન માટેના કલાકો પૂરા થઇ ગયા હતા. જેના કારણે એરક્રાફ્ટને માલ્દિવ્સ પરત મોકલવામાં આવ્યું છે. સી પ્લેન એરક્રાફ્ટના ક્રુ મેમ્બર્સ બીજા એરક્રાફ્ટથી અમદાવાદ પરત ફરશે અને ત્યારબાદ તેઓ અહીં જ રહેશે. સી પ્લેનના મેઇન્ટનેન્સ માટે ૧૦-૧૫ દિવસનો સમય લાગશે અને ત્યારબાદ તે ફરી રાબેતા મુજબ ઉડાન ભરવા લાગશે.

સી પ્લેન શરૃ થયાના મહિના કરતાં ઓછા સમયમાં મેઇન્ટેનન્સ માટે માલ્દિવ્સ પરત મોકલાતા સવાલો પેદા થયા છે. એવિએશન સેફ્ટી કન્સલ્ટન્ટ કેપ્ટન મોહન રંગનાથને જણાવ્યું કે, ‘ઉડાનના મહિનામાં જ કોઇ એરક્રાફ્ટને મેઇન્ટેનન્સની જરૃર પડતી નથી. સી પ્લેનને લગતા પેપરવર્ક જ હજુ બાકી હશે તે પુરવાર થાય છે. માત્ર પ્રચારના ભાગરૃપે જ આ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એરલાઇનને તમામ મંજૂરી આપતા અગાઉ સત્તાધિશોએ તે નાણાકીય રીતે સદ્ધર છે કે કેમ? ક્રુ મેમ્બર્સ-મેઇન્ટનેન્સ સ્ટાફ છે કે કેમ? તેવા પાસા પણ ચકાસવા પડે છે. તે લેખિતમાં પુરવાર થાય નહીં ત્યાં સુધી મંજૂરી અપાતી નથી. આમ, સી પ્લેનના એરક્રાફ્ટ પાસે યોગ્ય સર્ટિફિકેટ ઓફ એરવર્થિનેસ નહોતું તેમ જણાય છે.

૩૧ ઓક્ટોબરે ઉદ્ઘાટન થયા બાદ ૧ નવેમ્બરથી સી પ્લેન સર્વિસ મુસાફરો માટે શરૃ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ શરૃ થયાના પ્રથમ દિવસથી જ સી પ્લેનને પૂરતા પ્રમાણમાં મુસાફરો મળી રહ્યા નહોતા. ૧૪ મુસાફરોની ક્ષમતા ધરાવતા સી પ્લેનના એરક્રાફ્ટમાં ૧ નવેમ્બરના અમદાવાદથી કેવડિયાની ફ્લાઇટમાં માત્ર ૬ મુસાફરો હતા. ૫-૬ નવેમ્બરના સી પ્લેન મેઇન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યું હતું. આમ, સી પ્લેને કુલ ૨૫ દિવસ માંડ ઉડાન ભરી હતી. અમદાવાદ-કેવડિયા વચ્ચે દિવસની કુલ ચાર ફ્લાઇટ ઉડાડવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૂરતા મુસાફરો નહીં મળતાં ૧૫ નવેમ્બરથી માત્ર ૧-૧ ફ્લાઇટ જ ઉપાડવાનું શરૃ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોની સંખ્યા સાધારણ વધીને ૧૦-૧૦ની હતી. સી પ્લેનમાં ૨૫ દિવસમાં અંદાજે ૪૮૦ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.