ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં ચર્ચાથી દૂર ભાગતા શાસક પક્ષે ફરીએકવાર વિપક્ષનો અવાજ રૂંધીને લોકશાહીનું ખૂન કરતા બહુમતિના જોરે બોર્ડ ચલાવ્યું હતું. જેમાં વિપક્ષએ આક્રમક અભિગમ દાખવી જનતાના હિતમાં ચર્ચા કરવા જણાવતા શાસક પક્ષે મંજુર મંજુર કરી ગણત્રીની મિનિટોમાં બોર્ડ પુરી કરી દેતા વિપક્ષે ઉગ્ર રોષ ઠાલતા હંગામો થયો હતો.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં ફરી એકવાર શાસક પક્ષે બહુમતિના નશામાં મદમસ્ત બની વિપક્ષનો અવાજ દબાવવા જતા ભારે હંગામો થયો હતો. શાસક પક્ષે એજન્ડા પરના કામો ચર્ચા વગર જ મંજુર કરતા વિપક્ષે વિરોધ વ્યક્ત કરતા હોબાળો થયો હતો. જોકે, રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. છતાં પાલિકાના શાસકોના ગેરવહીવટ ને કારણે પાલિકાની સાથે સાથે સરકાર પણ બદનામ થઈ રહી છે. સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં પાલનપુર શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સફાઈ કૌભાંડ મુદ્દે ખુદ ભાજપના જ પૂર્વ પ્રમુખે વર્તમાન પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ત્યારે પોતાની નિષફળતા છુપાવવા પાલિકાના શાસકોએ સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનું તુત શરૂ કર્યું હોવાના આક્ષેપો વચ્ચે વિપક્ષે શાસકોને ભીંસમાં લેતા શાસકોએ બોર્ડ પૂર્ણ કરી ચાલતી પકડી હતી. ત્યારે ત્રણ મહિને મળતી સાધારણ સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે માત્ર ખોટા ઉધારેલા બિલ મંજુર કરવા માટે જ સભા મળતી હોવાનો આક્ષેપ વિપક્ષના આશાબેન રાવલે કર્યો હતો. ઓ.એસ. સંજય વ્યાસ સામે પણ રોષ ઠાલવતા વિપક્ષે તેઓને ભાજપ નો ખેસ પહેરી લેવાનું જણાવી તેમનું માઇક ખૂંચવી લીધું હતું. આમ, પાલનપુર નગરપાલિકાની ત્રણ માસે મળતી સાધારણ સભા દર વખતની જેમ આ વખતે પણ બહુમતિના જોરે સંપન્ન થતાં મામલો ગરમાયો હતો.
સી.ઓ. માટે નવી ગાડી..! જોકે, નગરપાલિકામાં ત્રણ ત્રણ ગાડીઓ હોવા છતાં ચીફ ઓફિસર માટે નવી બોલેરો ગાડી ખરીદવા સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો. અગાઉ ગાડી ખરીદવાનો ઠરાવ સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે સી.ઓ. માટે નવી ગાડી લાવવાનો ઠરાવ ક્યારે થયો તે અંગે ખુદ શાસક પક્ષના સભ્યો પણ અંધારામાં હોવાના ગણગણાટ વચ્ચે વિધવા મહિલા ઓના ટેક્ષ ફ્રી કરવામાં આર્થિક સંકડામણ અનુભવતી પાલિકા દ્વારા દશેક લાખના ખર્ચે નવી બોલેરો વસાવવાનો નિર્ણય પણ ચર્ચાની એરણે ચડ્યો છે.
હિસાબ ન આપનાર શાસકો રાજીનામું આપે; જોકે, જરૂરિયાત ન હોવા છતાં એડવાન્સમાં 35 જેટલી પાણીની મોટરોની ઊંચા ભાવે ખરીદી કરી રૂ.55 લાખનું બિલ પણ ચૂકવાઈ ગયું હોવાના આક્ષેપો વિપક્ષના અંકિતા ઠાકોરે કર્યા હતા. ત્યારે શાસક પક્ષનો ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે તેઓ ચર્ચા થી દૂર ભાગતા હોવાના આક્ષેપો કરતા વિપક્ષે પ્રજાના પૈસાનો હિસાબ ન આપનાર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર ન હોવાનું જણાવી રાજીનામાંની માંગ કરી હતી.
ખોટા બિલો મંજુર કરવા જ બોર્ડ મળતું હોવાની રાવ; રાજ્ય સરકાર પાલનપુરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવે છે. ત્યારે તે પૈસા થકી ક્યાં અને કેવા વિકાસના કામો થયા તે જાણવાનો પ્રજાને અધિકાર છે. ત્યારે ગેરવહીવટ કરવા પંકાયેલા પાલિકાના શાસકો ચર્ચાથી દૂર ભાગતા રાજ્યની ભાજપ સરકાર સાથે પાલિકાની પણ બદનામ થઈ રહી છે. પાલિકાનું બોર્ડ પ્રજાના પ્રશ્નો માટે નહીં પણ માત્ર ઉધારેલા ખોટા બિલો મંજુર કરવા જ મળતું હોવાના આક્ષેપો વિપક્ષના આશાબેન રાવલે કર્યા હતા. તેઓએ કર્મચારીઓના પગાર પર જી.એસ.ટી.લાદવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.



