બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ
નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવા મુદ્દે ખેડુતો દ્વારા આંદોલનના એંધાણ; બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, દિયોદર, થરાદ, ડીસા અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી નર્મદા કેનાલમાં ઉનાળાની ગરમીમાં અચાનક પાણી બંધ કરી દેવાતા લાલઘૂમ બનેલા ખેડૂતોએ આજે 11 એપ્રિલના રોજ દિયોદર પ્રાંત અધિકારીને રજુઆત સાથે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
લાખણી સહિત પાંચ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે જીવાદોરી પુરવાર થઇ છે. પણ કેનાલમાં વારંવાર આડેધડ રીતે પાણી બંધ કરી દેવામાં આવે છે. તેનાથી ભુગર્ભ જળમાં મોટો તફાવત સર્જાય છે અને બોરના તળ ઊંડે જતા ખેતી કરવી મુશ્કેલ થઈ જાય છે. ત્યારે ચાંગા પંપિંગથી કેનાલને જીવંત રખાય તો જ ખેડૂતો ખેતી કરી શકે તેમ છે. તેથી કેનાલમાં પાણી ચાલુ રખાય તો બાજરી અને ઘાસચારાના વાવેતરને ફાયદો થાય તેમ છે.
આ બાબતે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભર ઉનાળે પાણીની જરૂરિયાતના ખરા તાકડે કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જો કેનાલમાં આગામી 30 મે સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોના ઉનાળુ પાકો બચી જાય અને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર પણ બચી જાય. તેથી પાંચ તાલુકાના ખેડૂતો સરકારને ચાંગા પંપિંગ સ્ટેશનથી કેનાલમાં પાણી ચાલુ રાખવા અને તળાવો ભરવા વિનંતી કરીએ છીએ તેમછતાં જો પાણી ચાલુ કરવામાં નહિ આવે તો તમામ ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ એકઠા થઇ રજુઆત કરશે અને જરૂર પડ્યે આંદોલન પણ કરશે.
ખેડૂતોની વેદના; બનાસકાંઠા જિલ્લાના આ તાલુકાઓમાં ભૂગર્ભ જળ તળીયે પહોંચી ગયું છે. તેથી એકમાત્ર ખેતીના ધંધાને પણ મરણતોલ ફટકો પડી રહ્યો છે. ઉનાળામાં તો મોટાભાગની જમીન વાવેતર કર્યા વિના પડી રાખવાનો વારો આવ્યો છે. ત્યારે કાચી કેનાલ ઉપયોગી થઈ છે પણ તેમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ કેનાલમાં પાણી ચાલુ રાખો અને તળાવો ભરો તેવી વેદના ઠાલવી હતી.


