ડીસાના ગેનાજી ગોળીયા ગામે આધેડ મહિલા ઉપર દુષ્કર્મ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે રહેતી ૬૦ વર્ષિય મહિલા ઉપર દુષ્કર્મ થયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ખેતરમાં રહેતી મહિલાને એક શખ્સે પહેલાં ગળું દબાવી દુષ્કર્મની કોશિષ કરી હતી. જે બાદમાં આજુબાજુના લોકો આવી જતાં તે આરોપી ફરાર થઇ ગયા બાદ ફરી એકવાર મોડી રાત્રે ખેતરમાં આવી ફરીયાદી મહિલા ઉપર છરીની અણીએ દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમ્યાન ફરીયાદીના પતિ જાગી જતાં આરોપી તેમને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ગેંનાજી ગોળીયાના ઢેકૂડી સિમમાં આવેલ કુવા ઉપર રહેતી ૬૦ વર્ષીય મહિલા પોતાના પરીવાર સાથે રહે છે. મહિલાના ખેતરમાં ગાય વીવાયેલ હોઇ તેના નાના બચ્ચાંને કોઇ કુતરાં મારી ના નાંખે તે માટે મહિલા અને તેમના પતિ ખેતરમાં હતા. આ વખતે ભડથ ગામનો ધખુભા દેવજી દરબાર નામના ઇસમે ત્યાં આવી પ્રથમવાર મહિલાનું ગળું દબાવી દુષ્કર્મની કોશિષ કરી હતી. જે બાદમાં મહિલા યેન-કેન પ્રકારે છુટી જઇ આસપાસના લોકોને વાત કરતાં તેમણે બંને દીકરાઓને ફોન કરી બોલાવ્યાં હતા. જોકે બાદમાં રાત્રે મોડુ થયુ હોવાથી વહેલી સવારે ફરીયાદ કરવાનું નક્કી કર્યુ હતુ.

આ દરમ્યાન ફરીયાદી મહિલા તેમના પતિ સાથે ખેતરમાં સુવા માટે જતાં ફરી મોડી રાત્રે ધખુભા દેવજી દરબાર ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે છરીની અણીએ પીડિતા ને જાનથી મારી નાંખવાની ધમકી આપી મહિલાની મરજી વિરૂધ્ધ શરીર સુખ માણ્યું હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ દરમ્યાન મહિલાના પતિ આવી જતાં આરોપી ઇસમ તેમને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ મહિલાએ આરોપી સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે આરોપી ધખુભા દેવજી દરબાર રહે.ભડથ વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬ (૧), ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.