સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ ખાતે ત્રણથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ પાટણ,સિધ્ધપુર
રાજ્ય તથા પાટણ જિલ્લામાં કોવિડ-૧૯ના દિન-પ્રતિદિન વધતા જઈ રહેલા કેસોને ધ્યાનમાં રાખી કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકાવવા એક સ્થળે વધુ માણસો એકત્રિત થવા પર નિયંત્રણ મુકવું જરૂરી છે.ચાલુ માસે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં માધુ પાવડિયા ઘાટ ખાતે તા.૩૦/૧૧/૨૦૨૦ કારતક સુદ પુનમ સુધી ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ અને સરામણા વિધિ જેવી ધાર્મિક વિધિ માટે આવનાર હોઈ જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ અધિકાર અન્વયે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ફરમાવવામાં આવ્યું છે કે, તર્પણ વિધિ જેવી ધાર્મિક વિધિમાં બહોળા પ્રમાણમાં આવતા લોકોની સંખ્યા અને સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં માધુ પાવડિયા ઘાટની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતાં કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા એક જ સ્થળે વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોઈ તથા કોવિડ-૧૯ અંગેની સરકારશ્રીની સુચનાઓની અમલવારી માટે જરૂરી જણાતું હોઈ આ વિધિમાં ત્રણથી વધુ વ્યક્તિઓ એકત્રિત થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સાથે સાથે તમામ વ્યક્તિઓએ ફરજીયાતપણે માસ્ક પહેરવું અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કપડાથી મોંઢુ અને નાક ઢાંકી રાખવાનું રહેશે. આ પ્રમાણે નહીં કરનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૧,૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવશે. સ્થળ ઉપર દંડની ભરપાઈ કરવામાં નહીં આવે તો ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉપરાંત ખાનગી વાહનો, ઑટો રીક્ષા, કેબ વગેરેમાં ડ્રાઈવર સહિતના મુસાફરોની સંખ્યા અંગેની સરકારશ્રીની વખતોવખતની સુચનાઓથી નિર્ધારીત કર્યા મુજબ ઑટો રીક્ષામાં ડ્રાઈવર ઉપરાંત માત્ર બે મુસાફરો, પરિવારના ઉપયોગ માટેના ખાનગી વાહનમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર ત્રણ વ્યક્તિઓ, ટુ-વ્હિલર પર ચાલક સહિત મહત્તમ બે વ્યક્તિઓ તથા કેબ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ વ્યક્તિઓ તેમજ જો બેઠક ક્ષમતા છ કે તેથી વધુ હોય તો ડ્રાઈવર ઉપરાંત ચાર વ્યક્તિઓ મુસાફરી કરી શકશે. આ દરેક કિસ્સામાં ડ્રાઈવર સહિતના મુસાફરોએ ફેસ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે.

વધુમાં, સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂર્ણિમા સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મેળા માટે કોઈ પરવાનગી આપવામાં આવેલ નથી. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે અને કોવિડ-૧૯નું સંક્રમણ ન ફેલાય તે સારૂ માધુ પાવડિયા ઘાટ, તે તરફથી ચતુર્દિશામાં જતા તમામ માર્ગોના ૦૧ કિલોમીટરના વિસ્તારમાં તથા સરસ્વતી નદીના પટમાં ચા-નાસ્તો, જમવાનું, રમકડાં વગેરેના લારી-ગલ્લાવાળા અને ફેરિયાઓ માટે સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્રને સહયોગ આપવા જાહેર અપીલ કરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું છે કે, ૬૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, કો-મોર્બિડીટી ધરાવતા વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિધિના સ્થળે પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામું સિદ્ધપુરના સરસ્વતી નદીના પટમાં, માધુ પાવડિયા ઘાટના વિસ્તારમાં તથા ઉપર નિર્દિષ્ટ એક કિલોમીટરના વિસ્તારમાં તા.૨૪/૧૧/૨૦૨૦થી તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાની જોગવાઈઓ કે રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની

કલમ-૧૮૮ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે. જે માટે ફરજ પરના એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ કર્મચારી અને અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા સિદ્ધપુર નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.